જિલ્લાના ટી.બી.ના ૩૦૦‌ દર્દીઓને નિઃશુલ્ક પોષણયુક્ત આહાર કીટનું વિતરણ
ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) ટી.બી. દર્દીઓને પોષણયુક્ત આહાર, શ્રેષ્ઠતમ સારવાર ઉપલબ્ધ કરાવવા સાથે રાજ્યમાં ટીબી દર્દીઓમાં ઘટાડો થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. સમગ્ર રાજ્યમાં ''નિક્ષય મિત્ર'' યોજનાના અમલીકરણ દ્વારા ટી.બી.ના દર્દીઓની સહ
નિઃશુલ્ક પોષણયુક્ત આહાર કીટનું વિતરણ


ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) ટી.બી. દર્દીઓને પોષણયુક્ત આહાર, શ્રેષ્ઠતમ સારવાર ઉપલબ્ધ કરાવવા સાથે રાજ્યમાં ટીબી દર્દીઓમાં ઘટાડો થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

સમગ્ર રાજ્યમાં 'નિક્ષય મિત્ર' યોજનાના અમલીકરણ દ્વારા ટી.બી.ના દર્દીઓની સહાય-મદદ કરી 'સર્વ ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા'ની ભાવના પ્રગાઢ બની છે.

આજ કરુણાનો ભાવ આગળ વધારતા આજે પ્રભાસપાટણ રામમંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના સહયોગ અને જિલ્લા ક્ષય કેન્દ્રના માધ્યમથી કલેકટર એન.વી. ઉપાધ્યાય અને મહાનુભાવોના હસ્તે ૩૦૦ જેટલા ટી.બી.ના દર્દીઓને નિક્ષય મિત્ર કીટ વિતરણ કરવામાં આવી હતી.

કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે આ તકે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી ટી.બી. નિર્મૂલને એક અભિયાન તરીકે ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે પોષણયુક્ત આહાર અને નિયમિત દવા પૂરી પાડી ગીર સોમનાથ જિલ્લામાંથી ટી.બી. નિર્મૂલન કરવા ગીર સોમનાથ જિલ્લો કટિબધ્ધ છે.

ક્ષયના દર્દીઓ દર્દીઓ માટે પોષણયુક્ત આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લામાં નિક્ષય મિત્રના સહકારથી ક્ષયના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી રહી છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૩૦૦ પોષણ કીટ અર્પણ કરવામાં આવી હતી અને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ૧૦૦ પોષણ કીટ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટર એ ટીબીના દર્દીઓને શીખ આપતા જણાવ્યું કે, ટી.બી. નિર્મૂલન ક્ષેત્રે અથાક પ્રયત્ન કરી રહી છે ત્યારે દર્દીઓએ દવાનો કોર્ષ અધૂરો છોડવો, યોગ્ય પોષણયુક્ત આહાર ન લેવો જેવી ચેષ્ટાઓ કરવાથી સારવારને ગંભીર અસર પહોંચે છે. સારવાર લેતાં દર્દી એકપણ વાર દર્દી દવા લેવાનું ભૂલી ન જાય અને યોગ્ય પોષણયુક્ત આહાર લે તેનું ધ્યાન રાખવા અપીલ કરી હતી.

કલેક્ટરએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્દીઓને પોષણયુક્ત આહાર સામગ્રી પૂરી પાડવાના સદકાર્ય બદલ ટ્રસ્ટ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ અવસરે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૮માં શરૂ કરેલ ટી.બી. નિમૂર્લન કાર્યક્રમ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે તો ક્ષયરોગની સારવારમાં પ્રતિકૂળ અસરો પડે છે એમ જણાવી ધારાસભ્યએ ક્ષયરોગમાં વ્યસનની આડઅસર અને પરિવાર પર પડતી અસરોનો ઉલ્લેખ કરી વ્યસનથી દૂર રહેવા સર્વેને અપીલ કરી હતી.

જિલ્લા ક્ષય અધિકારી ડૉ. શિતલ રામે ક્ષયરોગ શું છે? ક્ષયરોગના લક્ષણો, ક્ષયરોગની આડઅસરો, ક્ષયરોગમાં વ્યસનની આડઅસરો, ક્ષયરોગની અપૂરતી સારવાર અને તેનાથી થતી અસરો, ટી.બી.ની યોગ્ય સમયે સારવાર ન થાય તો તેની આડઅસરો, ક્ષયરોગમાં લેવાનો થતો પોષણયુક્ત આહાર, ક્ષયરોગની સારવાર, સારવારનો સમયગાળો તેમજ નિક્ષય મિત્ર યોજના વિશે ઉપસ્થિત સર્વેને માહિતગાર કર્યા હતાં.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારે ભારતીય સંસ્કૃતિમાં અન્નનું મહત્વ જણાવી કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં અન્નને બ્રહ્મ એટલે કે ભગવાન કહેવામાં આવ્યું છે. અન્ન એ જ ઈશ્વર છે એ ઉક્તિ ધ્યાનમાં રાખી પોષણયુક્ત અન્ન ઈશ્વર સ્વરૂપ બની આપણને જીવીત રાખે છે. જેથી પોષ્ટિક આહાર લઈને ઈશ્વર કૃપાથી તમામ દર્દીઓ સાજા થાય એવી શુભકામનાઓ પાઠવી હતી.

જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં સોમનાથ ટ્રસ્ટ દર્દીઓને ૬ મહિના સુધી પોષણયુક્ત આહાર સામગ્રી પૂરી પાડશે.

આજે આપવામાં આવેલી પોષણ કીટ ૯ કિલો મેં બનેલી છે. જેમાં ચણા, ગોળ, મગ, સોયાબીન, સીંગદાણા, ચોખા, તુવેરદાળ, સિંગતેલ જેવી પોષણયુક્ત સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પોષણ વિતરણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, વેરાવળ પાટણ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા આરોગ્ય અધિકારી પી.એન. બરુઆ, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, અધિકારીઓ, ટી.બી.ના દર્દીઓ અને તેમના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande