જૂનાગઢ 4 જુલાઈ (હિ.સ.) કેરી પછી પપૈયા સમૃદ્ધ ફળોના ક્રમમાં બીજા નંબર પર આવે છે. તેમની ખેતી ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, દિલ્હી, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને દક્ષિણ ભારતના રાજયોમાં કરવામાં છે.
પપૈયા આખું વર્ષ ફળ આપે છે. પરંતુ પપૈયાનો છોડ નર છે કે માદા તે ફૂલ આવે નહિ ત્યાં સુધી ખબર પડતી નથી. આપણા દેશમાં પપૈયા મૂળ ઉષ્ણકટીબંધનો પાક હોવા છતાં સમશિતોષ્ણ કટિબંધના મોટાભાગના વિસ્તારોમાં પણ થાય છે. પરંતુ, કડકડતી ઠંડી, ઘુમ્મસ અને તેજ હવા એમના વિકાસમાં મુશ્કેલીઓ પહોંચાડે છે.
ભારતમાં પપૈયાની કઈ કઈ જાતનું વાવેતર કરવામાં આવે છે ?
મધુબિંદુ, સિલેકશન- ૭, સિલોન, વોશીંગ્ટન વગેરે આ બધી પ્રાચીન જાતો છે. નવી જાતોમાં કો-૧, કો-૨, કો-૭, કુર્ગ હનીડ્યું, રેડફલેશ વગેરે છે. પુસા ડેલિસિયસ, પુસા મેજેસ્ટી, પુસા જાયન્ટ, પુસા ડવાર્ફ અને પુસા નન્હા આ વગેરે પણ નવી જાતો છે.
પપૈયાનું વાવેતર કેવી થાય છે ??
પપૈયાનું વાવેતર બીજ દ્વારા થાય છે. તેના માટે ઉત્તમ જાતના પપૈયા ખરીદીને એના બીજ કાઢીને વાવવા. પપૈયાનાં બીજ સીધા નકકી કરેલ સ્થાન પર વાવવાના હોય છે. આ માટે નર્સરીમાં વાવવાની કોઈ જરૂરિયાત નથી.
જો નર્સરીમાં બીજ ઉગાડવા હોય તો તે પહોળા ક્યારા બનાવી વાવો. ૪.૫ ફૂટ અંતર પર ક્યારા બનાવો, જેમાં ૧.૫ ફૂટની નીક અને ૩ ફૂટનું બેડ બનાવો. બેડ પર ૩ X ૩ ઈંચના અંતરે માટી પર પહોળી લીટી તાણો અને એ લીટીમાં બીજામૃતથી પટ આપેલ બીજોને વાવો. એ બીજને ત્યાની જ માટીથી ઢાંકી, એના પર જીવામૃત છાંટી સુકા પાંદડાનું આચ્છાદન કરવું.
આચ્છાદન પર એટલું પાણી છાંટો કે બીજના અંકરણને એમાંથી ભેજ મળે. પ્રતિ દિવસ આ રીતે આચ્છાદન પર પાણી તેમજ જીવામૃતનો છંટકાવ કરતો રહેવો. ૧૫ થી ૨૦ દિવસોની અંદર અંકુરણ ફૂટી જશે. અંકુરણ થયા બાદ આચ્છાદનને હટાવી દો અને ત્યારબાદ નીક (ધોરીયા) દ્વારા પાણી સાથે જીવામૃતને ભેળવીને આપવું. છંટકાવ માટે જીવામૃતનું પ્રમાણ ૧૦ લીટર પાણીમાં ૩૦૦, ૪૦૦ અથવા ૫૦૦ મિલી લીટર રાખવું એનાથી ઉતમ જાતના તંદુરસ્ત રોપ તૈયાર થશે.
એક એકર વિસ્તારમાં ૨૦૦ થી ૨૫૦ ગ્રામ બીજ પૂરતા છે. પપૈયાના બીજમાં અંકુરણ ક્ષમતા ૪૫ દિવસની હોય છે. તેથી પપૈયાના બીજ એ સમય દરમિયાન જ અથવા જલ્દી ઉગાડી લેવા જોઈએ.
જમીનની ખેડ કર્યા પછી ખેતઓજારો દ્વારા વાવેતર સ્થળથી બે ફૂટ દૂર ધોરિયા કરવા અને આઠ ફૂટમાં ચાર ધોરિયા/ નીકપાળો આવી જશે. પ્રથમ નીકમાં આઠ અથવા જે અંતર નક્કી કરેલ હોય તે જ અંતરે બીજ/રોપ વાવવા.
બે હાર વચ્ચે સરગવાનું વાવેતર કરવું અને પપૈયાથી આઠ ફૂટ દૂર કરવામાં આવેલ નીકમાં તુવેરનું વાવેતર કરવું. પપૈયાની એક હારમાં સરગવો અને બીજી હારમાં તુવેર ક્રમશઃ વાવવું. દ્વિતીય અને ચોથી પપૈયાની હારમાં ચોળી, મરચી અને ગલગોટા વાવવા. પપૈયાની ત્રીજી હારમાં તમામ પ્રકારના વેલાવાળા શાકભાજી વાવવા. એ જ પ્રમાણે આખા પ્લોટ/જમીનમાં ક્રમશઃ વાવેતર કરવું.
જે સ્થળે બીજ અથવા રોપનું વાવેતર કરવાનું હોય, તે જગ્યાએથી ચાર ભાગ માટી, બે ભાગ ગળોતીયું છાણિયું ખાતર અને એક ભાગ ઘન જીવામૃત ભેળવીને થોડા થોડા સરખા પ્રમાણમાં આપવું.
જીવામૃત ચોમાસાની ઋતુમાં જયારે વરસાદ બંધ થાય છે ત્યાર બાદ છોડની પાસેની માટીમાં એક મહિનામાં બે વખત જીવામૃત આપવું. આ સાથે પપૈયા તેમજ આંતર પાકો પર પણ જીવામૃતનો એક મહિનામાં બે વાર છંટકાવ કરવો.
સ્ફુરણના એક મહિના પછી ૧૦૦ લીટર પાણી + ૫ લીટર જીવામૃત આપવું. સ્ફુરણના બે મહિના પછી ૧૦૦ લીટર પાણી + ૭ લીટર જીવામૃત આપવું. સ્ફુરણના ત્રણ મહિના પછી ૧૦૦ લીટર પાણી + ૧૦ લીટર જીવામૃત આપવું.
આ પછી ફાલ આવતા પહેલા ૧૦૦ લીટર પાણી + ૧૦ લીટર જીવામૃત આપવું. ફળ આવ્યા પછી ૧૦૦ લીટર પાણી + ૩ લીટર ખાટી છાશ રેડવી. ફળ આવ્યાના ૧૫ દિવસ પછી ૧૦૦ લીટર પાણી + ૧ લીટર નાળિયેરનું પાણી રેડવું. છેવટે ૧૫ દિવસના અંતરે છેલ્લો છંટકાવ કરવો કે જેમાં ૧૦૦ લીટર પાણી + ૧ લીટર નાળિયેરનું પાણી મિક્સ કરીને પીવડાવવું.
પપૈયાનું આચ્છાદન કેવી રીતે કરવું??
બે પપૈયાની હાર વચ્ચે જે ધોરીયા છે તેના બંને બાજુએ આચ્છાદન કરવું. જેના માટે આંતરપાક જ સજીવ આચ્છાદન બની જમીન પર ઢંકાઈ જશે. જેનાથી નીંદણ નહિ થાય તથા જે નીંદણ થશે તેને ઉખેડીને તે જ સ્થાન પર નાખવું.
જયારે આંતર પાકોનું આયુષ્ય પૂર્ણ થઈ જશે ત્યારે આંતર પાકો જ પરિપક્વ થઈ સુકા પાન ડાળીના સ્વરૂપે આચ્છાદનમાં પરિવર્તિત થશે. તેની સાથે સાથે તે જ આંતર પાકની જગ્યા પર ફરીથી ઋતુ પ્રમાણેના આંતરિક પાકના બીજનું વાવેતર કરવું. જેથી ફરીથી સજીવ આચ્છાદન એમ તુરંત જ તે આંતરપાકથી સુકાપાન અને ડાળીઓનું આચ્છાદન મળતું રહેશે.
પપૈયાની વાવણીનો સમય કયો છે ??
જૂન-જૂલાઈ, સપ્ટેમ્બર-ઓક્ટોબર અને જાન્યુઆરી-ફેબ્રુઆરી આ સમયગાળો પપૈયાના વાવેતર માટે શ્રેષ્ઠ ગણાય છે. ઉલ્લેખનીય છે કે, પપૈયાના છોડ પર જ્યાં સુધી ફૂલ બેસતા નથી ત્યાં સુધી પપૈયાના છોડ નર છે કે માદા તેની ખબર પડતી નથી. એટલા જ માટે નક્કી કરેલી જગ્યાએ એક ને બદલે બે અથવા ચાર બીજ/ રોપ વાવવા જોઈએ.
બે બીજ અથવા છોડની વચ્ચે ૧૦ સેમી. નું અંતર રાખવું. રોપ વાવ્યા પછી ૪ થી ૬ મહિના પછી ફૂલ આવવાનું શરૂ થાય છે. નર છોડ પર લાંબી પુષ્પગુચ્છ/ પુષ્પદાંડી આવે છે. જેના પર સફેદ કે પીળા રંગના ફૂલ આવે છે. આવા નર છોડને થડથી કાપી હટાવી દેવા. માત્ર પરાગનયન માટે ૫.૭% નર છોડ આખા બગીચામાં રાખવા.
પપૈયાની સાથે સહજીવી આંતર પાક ક્યા કયા લઈ શકાય છે ??
પપૈયા પોતે જ આંબા, જામફળ, સંતરા, મોસંબી, ચીકુ, લીચી વગેરેનો આંતર પાક છે. તેથી તેનું ઉત્પાદન આની સાથે જ લેવું વધુ હિતકારક છે. પપૈયાની સાથે સરગવો, તુવેર, અળવી, મરચું, આદુ, હળદર, ચોળી, ડુંગળી, ગલગોટા, ટામેટા, રીંગણા, અડદ, ગુવાર તેમજ વેલાવાળા શાકભાજી ઉગાડવા જોઈએ. નર જાતિના છોડ પૂરે પુરા બગીચામાં રહેવા દેવા.
પપૈયાના છોડ પર ૧૦ કે ૧૧ મહિનામાં ફળ આવવાનું શરૂ થઇ જાય છે અને ૧૪ મહિના સુધીમાં ફળ પાકી જાય છે. ઘણી વખત અમુક છોડમાં ખૂબ જ વધારે ફળો બેસે છે. આવા ફળોમાંથી નબળા ફળોને કાઢી નાખો નહીતર નાના અને નબળી ગુણવતાવાળા ફળ આવશે.
પપૈયાના પાકની સુરક્ષા કેવી રીતે કરવી ??
જયારે વરસાદનું પાણી અથવા સિંચાઈનું પાણી થડની પાસે વધુ ભરાઈ જાય છે, ત્યારે રોગ અને કીટકો આવે છે. આ સમસ્યાના નિવારણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્ન્યસ્ત્ર, ખાટી છાસ, અને સુંઠાસ્ત્રનો છંટકાવ જરૂર કરવો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ