નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસરે, શુક્રવારે ભારતીય મૂળના લોકોને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, એક કવિતા ટાંકી હતી. તેમણે 'આંખ આ ધન્ય છે' નામના ગુજરાતી પુસ્તકમાંથી, વડાપ્રધાન મોદીની આ કવિતા ટાંકી હતી.
તેમણે ત્રિનિદાદ અને ટોબેગોમાં આયોજિત એક સમુદાય કાર્યક્રમ દરમિયાન આ કવિતા વાંચી હતી. વડાપ્રધાન બિસેસરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કવિતા તેમના સંઘર્ષ, યાદો અને અનુભવોની શક્તિને પ્રતિબિંબિત કરે છે. આ કવિતા ભૂતકાળની સફર, મુશ્કેલીઓમાં સાથ આપનારા લોકોની યાદ અને તે અનુભવો આખરે જીવનની સફરનો ભાગ કેવી રીતે બને છે તે વિશે વાત કરે છે.
વડાપ્રધાન મોદીની કવિતા 'યાત્રા' વાંચતી વખતે, બિસેસરે બતાવ્યું કે, કેવી રીતે વ્યક્તિગત યાદો અને સામૂહિક સંઘર્ષો કોઈપણ વ્યક્તિના ચેતનામાં કાયમ માટે જડાયેલા રહે છે. આ કવિતા માત્ર મોદીના વ્યક્તિગત અનુભવોની ઝલક જ નહીં પણ પ્રવાસી ભારતીયોને તેમના મૂળ સાથે પણ જોડે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મૂળ ગુજરાતી કવિતા:
'યાત્રા'
દૂર દૂરના ભૂતકાળમાં
હું જઈ શકું છું
અને એક એક ચહેરાને
સ્પષ્ટપણે ઓળખી શકું છું.
કોઈ તણાવ સાથે
સ્મૃતિને ખેંચવી પડતી નથી
સહજ બધું દેખાઈ જાય છે,
ઓળખાઈ જાય છે,
કશુંય અળપાઈ નથી જતું.
સાવ સાદીસીધી વાત આટલી જ
કે જેમની સાથે સહન કર્યું હોય
એ કદી ભુલાતા નથી
અને સાથે વેઠેલી
યાતના છેવટે તો
યાત્રા થઈ જાય છે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ