પાટણ, 17 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લામાં આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ મહિલા શક્તિ સેનાના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને મહિલા સશક્તિકરણ દિવસ તરીકે ઉજવવાની સાથે આશા વર્કરોની માંગણીઓ સ્વીકારવાની વિનંતી કરી છે. સરકારના ઓનલાઈન ટેકો કામગીરી સામે પણ બહેનોએ વિરોધ નોંધાવ્યો છે, કારણ કે તેમની પાસે સારી ક્વોલિટીના મોબાઈલ ફોન નથી અને નેટવર્ક તેમજ રિચાર્જ જેવી સમસ્યાઓમાં ઇન્સેન્ટિવ ગુમાવવો પડે છે.
આશા વર્કરોની મુખ્ય માંગણીઓમાં કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો આપવો, લઘુત્તમ વેતન મળવો અને ઇન્સેન્ટિવ પર આધારિત પ્રથા રદ કરવાનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમણે 180 દિવસની મેટર્નીટી લીવ, રાત્રિ ડિલિવરી ભથ્થું, કામના કલાકો નક્કી કરવી, 10 લાખ રૂપિયાનો જીવન વીમો અને 40 વર્ષની વય પછી પેન્શન યોજનાની પણ માંગ કરી છે. હોસ્પિટલમાં રાત્રિ રોકાણ માટે અલગ વ્યવસ્થા, વાર્ષિક પગાર વધારો અને દિવાળી બોનસની પણ ભલામણ કરી છે.
આશા બહેનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ ગાંધી માર્ગે રાજ્યવ્યાપી આંદોલન કરશે. તેમનું કહેવું છે કે, આજે તેઓ 2,500 રૂપિયાની તનખ્વાહમાં ગુજારો કરે છે, જ્યારે તેમની ન્યાયસંગત માંગ 25,000 રૂપિયાની છે. આરોગ્ય વિભાગનો મોટો ભાર વહન કરવા છતાં પૂરતું વળતર મળતું નથી અને તેમનું શોષણ થઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ