મહેસાણા, 17 સપ્ટેમ્બર,મહેસાણા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી ખાતે આગામી ચાર દિવસ માટે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી સ્થગિત રહેશે. મહેસાણા પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીએ જાહેર કરેલા અખબારી યાદી અનુસાર તા.17 સપ્ટેમ્બર 2025 થી તા.20 સપ્ટેમ્બર 2025 સુધી ટેક્નિકલ કારણોસર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં નહીં આવે.
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન અથવા ઑફલાઈન માધ્યમથી એપોઇન્ટમેન્ટ લઈ ચૂકેલા અરજદારોને ચિંતા કરવાની જરૂર નથી. સંબંધિત તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટ રી-શેડ્યૂલ કરવામાં આવશે અને તેમને નવા દિવસ-તારીખની જાણ કચેરી દ્વારા કરાશે. અરજદારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ આ અવધિ દરમિયાન કચેરીમાં અનાવશ્યક આવનજાવન ન કરે અને સત્તાવાર માહિતી માટે પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીનો સંપર્ક રાખે.
અધિકારીશ્રીએ જણાવ્યું કે આ ટેક્નિકલ કામગીરી પૂર્ણ થયા બાદ નિયમિત રીતે ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવશે. જનતાને થતી અસુવિધા બદલ કચેરીએ ખેદ વ્યક્ત કર્યો છે.
આથી મહેસાણા તથા આસપાસના વિસ્તારોના તમામ મોટરીંગ જનતા અને લર્નિંગ લાઇસન્સ ધરાવતા અરજદારોને અપીલ છે કે તેઓ સુચના મુજબ સહકાર આપે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR