પાટણ, 17 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી ખાતે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિતે ‘અમૃત પર્વ: સ્વદેશીથી વિકસિત ભારત’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં સ્વદેશી પ્રત્યે ગૌરવ જગાડવો અને તેમને આત્મનિર્ભર ભારત માટે પ્રેરણા આપવી હતી. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા સ્વદેશી વાનગીઓની રજૂઆત સાથે થઈ હતી, જેમાં વિવિધ ભારતીય પરિવારોમાં પ્રચલિત વાનગીઓ તૈયાર કરીને સ્વદેશી ઢબે તેનું માર્કેટિંગ પણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના બી.બી.એ. વિભાગના સહાયક પ્રાધ્યાપક ડૉ. જય ત્રિવેદી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. ખુશ્બુ મોદીએ પ્રાર્થના રજૂ કરી હતી અને કોલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદે સુતરની આંટી અને કમળ પુષ્પ વડે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ડૉ. ત્રિવેદીએ વિદ્યાર્થીઓને સ્વદેશી ઉત્પાદનો વિશે વિગતવાર માહિતી આપી હતી અને રોજિંદા જીવનમાં તેમનો ઉપયોગ વધારવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ પાસેથી સ્વદેશી વસ્તુઓ અપનાવવાની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.
આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદે પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં ‘સ્વદેશીથી વિકસિત ભારત’ વિષયક પ્રેરણાદાયક પ્રસંગો રજૂ કરીને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભણાવ્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમનું સંચાલન ડૉ. ચેતન પ્રજાપતિએ કર્યું હતું અને આભારવિધિ પ્રો. સંજયભાઈ પટેલે કરી હતી. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ