પાટણ, 17 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ભાભર રોડ પર આવેલા રોયલ ગેસ્ટ હાઉસમાં ‘માહી’ નામના સ્પાની આડમાં ચાલતો ગેરકાયદેસર વેશ્યાવૃત્તિનો રેકેટ ઝડપાયો છે. પોલીસે મળેલી બાતમીના આધારે તાત્કાલિક દરોડો પાડી ચારમાંથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કેસમાં ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ, 1956 ની કલમ 4, 5, 7 અને 8 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે સ્પાના મેનેજર રાજ શૈલેષભાઈ ચૌધરી (ઉ. વ. 24, એકલવા, હારીજ) અને મહેશભાઈ નાથાભાઈ ચૌધરી (ઉ. વ. 34, જાવંત્રી, રાધનપુર) વિદેશી યુવતીઓને બોલાવી ‘બોડી મસાજ’ના બહાને ગ્રાહકોને ગેરકાયદેસર સેવાઓ આપાવતા હતા. આ બંને આરોપીઓ નાણાકીય લાલચ આપીને યુવતીઓને વેશ્યાવૃત્તિ માટે ઉશ્કેરતા અને ગ્રાહકો પાસેથી કમિશન લઈને નફો મેળવે છે.
સાહિલ નરેન્દ્રભાઈ વાલ્મીકિ (ઉ. વ. 19) અને એક 14 વર્ષીય કિશોર — બંને રાધનપુર ભરવાડવાસના રહેવાસી — પણ આ રેકેટમાં સહભાગી હતા. તેઓ સ્પામાં આવતા ગ્રાહકોને જરૂરી સામગ્રી પહોંચાડવાની કામગીરી કરતા હતા. પોલીસે દરોડા દરમિયાન તમામ આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડીને રાધનપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ