અમરેલી,17 સપ્ટેમ્બર (હિ.સ.)
અમરેલી જિલ્લામાં આંગણવાડી વ્યવસ્થા આધુનિક ટેકનોલોજી સાથે જોડાઈ રહી છે. બાળકોના વિકાસ અને વિવિધ પ્રવૃત્તિઓની માહિતી સીધી વાલીઓ સુધી પહોંચે તે માટે જિલ્લા વ્યાપી સ્તરે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. હાલમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અંદાજે 1455 જેટલા ગ્રુપનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેમાં 16,000થી વધુ વાલીઓ જોડાયેલા છે.
આ ગ્રુપ દ્વારા બાળકોના આરોગ્ય, પોષણ, શિક્ષણ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ અંગે વાલીઓને નિયમિત અપડેટ મળે છે. સાથે જ શાળા પૂર્વ તૈયારી, રસીકરણ, સ્વચ્છતા અને બાળકો માટે યોજાતા ખાસ કાર્યક્રમોની જાણકારી તાત્કાલિક વાલીઓ સુધી પહોંચે છે.
જિલ્લા તંત્રના જણાવ્યા મુજબ આ પહેલથી આંગણવાડી અને વાલીઓ વચ્ચે મજબૂત સેતુ સર્જાયો છે. વાલીઓ બાળકોની પ્રગતિ પર નજર રાખી શકે છે અને જરૂરી પ્રતિસાદ પણ આપી શકે છે. આંગણવાડી કાર્યકર બહેનો માટે પણ આ એક અસરકારક સંવાદ માધ્યમ બની રહ્યું છે.
ટેકનોલોજીના સદુપયોગથી અમરેલી જિલ્લામાં આંગણવાડી વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક બની રહી છે, જેનાથી બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai