સુરત, 17 સપ્ટેમ્બર (હિ.સ.)-ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ICDS (ઈન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ) શાખા, જિલ્લા પંચાયત-સુરતના સંયુક્ત ઉપક્રમે ઓલપાડના ખુંટાઈ માતા મંદિર ખાતેથી 8મા રાષ્ટ્રીય પોષણ માહ–2025 તેમજ જિલ્લા કક્ષાના 'ભુલકા મેળો–2025' ને વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખુલ્લો મૂકાયો હતો. તેમણે 'પા પા પગલી' પ્રોજેક્ટનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે વન મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં આરોગ્ય અને સ્વચ્છતા પર ભાર આપ્યો છે. પોષણ, આરોગ્યની નિયમિત તપાસ અને પર્યાવરણ રક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રીના સ્વચ્છતા અને આરોગ્ય અભિયાન દેશમાં જનઆંદોલન બન્યું છે. તેમનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં આરોગ્ય સેવાઓ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચાડવાના ઉમદા પ્રયાસો થઈ રહ્યા છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, 'બાળકના યોગ્ય પોષણ અને વિકાસથી જ નવા ભારતના નિર્માણનો માર્ગ ખૂલશે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા પોષણ અભિયાનથી આજે લાખો બાળકોને આરોગ્ય અને પોષણની સુવિધાઓ મળી રહી છે.
વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે લોકકલ્યાણના સેવાકીય કાર્યોનું આયોજન અંતર્ગત ગુજરાતના કર્મચારી મંડળે રક્તદાન કરી 91 હજાર યુનિટ રક્ત એકત્ર કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે, જે બદલ અભિનંદન આપ્યા હતા.
મંત્રીએ ઉમેર્યું કે, દેશના કલ્યાણ માટે સમર્પિત સ્વચ્છતા અભિયાન, બ્લડ ડોનેશન અને 'વોકલ ફોર લોકલ' જેવા કાર્યક્રમોની આ અભૂતપૂર્વ શ્રેણી આજે જનસેવાયજ્ઞ અને જનઆંદોલનમાં પરિવર્તિત થઈ છે.
વધુમાં મંત્રીએ કુપોષણ મુક્ત ઓલપાડ બનાવવા બાળકોને દત્તક લેવા હાજર સૌને આહ્વાન કર્યું હતું.
મંત્રી સહિત હાજર મહાનુભાવોએ 'પા પા પગલી' પ્રોજેક્ટ હેઠળ ટીચિંગ લર્નિંગ મટિરીયલ સ્ટોલની મુલાકાત લીધી હતી. ભુલકા મેળામાં બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ, આરોગ્ય ચકાસણી, પોષણ પરમર્શ તેમજ માતાઓ માટે માહિતીસભર પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું. આ સાથે 'પા પા પગલી' પ્રોજેક્ટ હેઠળ શ્રેષ્ઠ ટીચિંગ લર્નિંગ મટિરીયલ તૈયાર કરનાર બાળકોને પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કરાયા હતા.
આ વેળાએ વડાપ્રધાનના મધ્યપ્રદેશના ધાર ખાતે યોજાયેલા ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ પખવાડિયાના શુભારંભ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મતી શિવાની ગોયલ, તા. પંચાયતના પ્રમુખ નિતાબેન પટેલ, RCHO ડો.પિયુષ શાહ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી, ICDC વિભાગના અધિકારીઓ, CDPOઓ, શાળા સ્ટાફ અને આંગણવાડીના આશાવર્કરો, કાર્યકરો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે