વર્ચ્યુઅલ રિયાલિટીની ઉભરતી ટેકનોલોજી: બવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વરૂણકુમાર દવેએ વિજ્ઞાનને સરળ બનાવ્યો
અમરેલી, 18 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંતરિયાળ ગામ બવાડીની પ્રાથમિક શાળા આજે સમગ્ર જિલ્લામાં નવીનતા અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ માટે જાણીતી બની છે. આ પરિવર્તન પાછળનો મુખ્ય કારક છે શાળાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ઓળખાતા વરૂણકુમાર
વર્ચ્યુઅલ રિયાલિટીની ઉભરતી ટેકનોલોજી: બવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વરૂણકુમાર દવેએ વિજ્ઞાનને સરળ બનાવ્યો


અમરેલી, 18 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંતરિયાળ ગામ બવાડીની પ્રાથમિક શાળા આજે સમગ્ર જિલ્લામાં નવીનતા અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ માટે જાણીતી બની છે. આ પરિવર્તન પાછળનો મુખ્ય કારક છે શાળાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ઓળખાતા વરૂણકુમાર દવે, જેમણે પોતાના નવતર પ્રયોગો દ્વારા વિજ્ઞાન જેવા અઘરા ગણાતા વિષયને બાળકો માટે રસપ્રદ અને સરળ બનાવી દીધો છે.

બવાડી પ્રાથમિક શાળા પાસે ડિજિટલ સ્માર્ટ બોર્ડની સગવડ છે. પરંતુ માત્ર સગવડતા પૂરતી નથી, તેના અસરકારક ઉપયોગ માટે શિક્ષકની દ્રષ્ટિ અને કુશળતા પણ જરૂરી છે. વરૂણકુમાર દવેએ એ જ સાબિત કર્યું છે. તેઓ માનતા છે કે જો બાળકોને વિજ્ઞાનનાં કન્સેપ્ટ્સ જીવંત અનુભવ સાથે સમજાવાય, તો તેઓ માત્ર રટણ નહીં પરંતુ ગહન સમજ મેળવી શકે.

વર્ષ 2025માં જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર મેળવનાર વરૂણકુમાર દવે મૂળ વિજ્ઞાનપ્રેમી છે. તેમણે વિવિધ ટેક્નોલોજી આધારિત પ્રયોગો હાથ ધર્યા છે. તેમની જિજ્ઞાસા અને પ્રયત્નોનું એક ઉત્તમ ઉદાહરણ છે મેથેમેટિક્સ પઝલ ગેમ્સ એપ, જે તેમણે જાતે વિકસાવી. આ એપ દ્વારા શાળાના બાળકો વૈદિક ગણિત સરળતાથી શીખી રહ્યા છે. 2D અને 3D પરિમાણીય આકૃતિઓની મદદથી અઘરા ટોપિક્સ પણ હવે બાળકો માટે રમૂજી બની ગયા છે. આ એપ અત્યાર સુધી ગુજરાતભરમાં 10 હજારથી વધુ બાળકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે.

એપ સિવાય, દવેએ વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને ઓગમેન્ટેડ રિયાલિટી (AR) જેવી ઉભરતી ટેકનોલોજીનો પણ શૈક્ષણિક ઉપયોગ શરૂ કર્યો છે. શાળાના બાળકો હવે VR બોક્સની મદદથી 360 ડિગ્રીના વિડિઓઝ જોઈને માનવ શરીરનાં અંગોની કામગીરી, શ્વસનતંત્ર, કંકાલતંત્ર જેવા અઘરા વિષયોનો જીવંત અનુભવ મેળવી રહ્યા છે. વર્ચ્યુઅલ અનુભવ થકી જે વિષય પહેલાં મુશ્કેલ લાગતો હતો, તે હવે બાળકોને ખૂબ સહેલો અને રસપ્રદ લાગી રહ્યો છે.

વરૂણકુમાર દવેએ માત્ર એપ કે VR સુધી પોતાને મર્યાદિત રાખ્યા નથી. તેમણે ‘ડેટા એનાલિસિસ રોબોટ’ પણ બનાવ્યો છે, જે સ્માર્ટ હેલ્થ મેનેજમેન્ટ સિસ્ટમનો મહત્વનો ભાગ બની શકે છે. આ રોબોટની મદદથી બાળકો હાર્ટબીટ કેવી રીતે કાઉન્ટ થાય છે, બ્લડ પ્રેશર એટલે શું, લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે – તે બધું લાઈવ પ્રયોગો સાથે શીખી રહ્યા છે. બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધે તે માટેનો આ એક અનોખો પ્રયાસ છે. વર્ષ 2023માં યોજાયેલી ભારતીય સાયન્સ ટેક્નો ફેસ્ટમાં આ રોબોટને ગોલ્ડ મેડલ મળ્યો હતો, જે શિક્ષકના નવા પ્રયોગોને રાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવવાનો એક ગૌરવમય ક્ષણ હતો.

બાળકોની સમજણ વધુ સ્પષ્ટ બને તે માટે વરૂણકુમાર દવેએ ગણિત-વિજ્ઞાન કીટ તથા પોકેટ સાઇઝ ડિક્શનરી તૈયાર કરી છે. ગામડાં કે અંતરિયાળ વિસ્તારમાં જ્યાં શૈક્ષણિક સાધનોની અછત રહે છે, ત્યાં આવી નવીન કિટ બાળકો માટે ખૂબ મદદરૂપ બની છે.

શિક્ષક દવેએ શિક્ષણનો વારસો પોતાના પરિવાર પાસેથી મેળવ્યો છે. વર્ષ 2015થી તેઓ પ્રાથમિક શાળામાં સેવા આપી રહ્યા છે અને સતત નવા પ્રયોગો કરતાં રહ્યા છે. તેમણે દિક્ષા ડિજિટલ પોર્ટલ પર ઈ-કોર્સ નિર્માણમાં (ખાસ કરીને કમ્પ્યુટર વિષયમાં) મહત્વનું યોગદાન આપ્યું છે.

વર્ષ 2020માં અમલી બનેલી નવી શિક્ષણ નીતિમાં વ્યાવસાયિક શિક્ષણ પર ભાર મૂકાયો છે. આ જ વિષય પર વરૂણકુમાર દવેએ લેખન પણ કર્યું છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત થતું ‘જીવન શિક્ષણ’ માસિકના મે-જૂન 2025 અંકમાં તેમનો વ્યાવસાયિક શિક્ષણ વિષયક લેખ પ્રસિદ્ધ થયો હતો.

આજે સરકારી શાળાઓ ધીમે ધીમે ડિજિટલ બની રહી છે. સ્માર્ટ બોર્ડ, VR, AR, એપ્સ અને રોબોટિક્સ જેવી ટેક્નોલોજીનો શિક્ષકો દ્વારા સફળ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાળકો હવે માત્ર પુસ્તકી જ્ઞાન સુધી સીમિત નથી રહ્યા, પરંતુ પ્રાયોગિક અને ટેક્નોલોજી આધારિત અનુભવ મેળવી રહ્યા છે. પરિણામે તેઓ વિષયને સારી રીતે સમજવા સાથે ભવિષ્ય માટે વધુ આત્મવિશ્વાસી બની રહ્યા છે.

વરૂણકુમાર દવેએ સાબિત કર્યું છે કે જો શિક્ષક પાસે નવીન વિચારો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની દ્રષ્ટિ હોય, તો અંતરિયાળ વિસ્તારોમાં પણ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી શકે છે. તાજેતરમાં ગુજરાત સરકારે પણ આવા નવતર પ્રયોગો કરનારા શિક્ષકોને પુરસ્કાર અર્પણ કરીને તેમની સેવા અને પ્રયત્નોને બિરદાવ્યા હતા.

આવો શિક્ષક અને આવા પ્રયોગો ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો માટે પ્રેરણાસ્ત્રોત છે. બાળકો માટે અઘરા વિષયો સહેલા બની જાય, વિજ્ઞાન પ્રત્યે રસ જાગે અને નવી પેઢી આધુનિક ટેક્નોલોજી સાથે આગળ વધે – તે માટે વરૂણકુમાર દવેએ આપેલો ફાળો અવિસ્મરણીય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande