નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) દેશભરમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે શારદીય નવરાત્રીનો શુભ તહેવાર શરૂ થયો છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય ઘણા રાજકારણીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા દેશવાસીઓને શુભેચ્છા પાઠવી, દેવી દુર્ગા પાસેથી સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સાહસ, સંયમ અને સંકલ્પ ના ભક્તિ-ભાવ થી ભરેલો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં નવી શક્તિ અને નવો વિશ્વાસ લાવે. તેમણે તમામ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, નવરાત્રીને દેવી ભગવતીની પૂજા અને શક્તિ સંચયનો ભવ્ય તહેવાર ગણાવ્યો. તેમણે કહ્યું કે, આ તહેવાર દરેકના જીવનમાં અનંત ખુશીઓ લાવે અને દેવી દુર્ગાના આશીર્વાદ આપણા બધા પર બની રહે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ, નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીને નમન કર્યા. તેમણે પ્રાર્થના કરી કે દેવી માતા સૌને નવી શક્તિ અને ઉર્જા આપે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નવરાત્રીની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, માતા આદિશક્તિના આશીર્વાદ બધા પર રહે અને આ તહેવાર દેશવાસીઓને સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પરની પોતાની પોસ્ટમાં કહ્યું કે, માતા દુર્ગાના આશીર્વાદથી દરેકનું જીવન હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નવરાત્રીને શક્તિ, ભક્તિ અને સમૃદ્ધિનો તહેવાર ગણાવતા કહ્યું કે, માતા દુર્ગાના આશીર્વાદ આપણા જીવનને નવી ઉર્જાથી ભરી દે છે. તેમણે ભારતને આત્મનિર્ભરતા અને પ્રગતિની નવી ઊંચાઈઓ સુધી પહોંચવા અને વિશ્વમાં શાંતિ અને સુખાકારીમાં અગ્રેસર બનવા કામના કરી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવરાત્રીને સંયમ, હિંમત અને દૃઢ નિશ્ચયનું પ્રતીક ગણાવ્યું. તેમણે માતા શૈલપુત્રીને પ્રાર્થના કરી કે, તેમના આશીર્વાદથી સમગ્ર વિશ્વ સુખ, શાંતિ અને સમૃદ્ધિના કિરણોથી પ્રકાશિત થાય.
ઊર્જા મંત્રી અને ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે શક્તિ ઉપાસનાના આ શુભ અવસર પર શુભેચ્છાઓ પાઠવી, પ્રાર્થના કરી કે આદિશક્તિ મા દુર્ગા દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરે.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ, મા શૈલપુત્રીને નમન કર્યા અને પ્રાર્થના કરી કે, તેમના શાશ્વત આશીર્વાદ બધા પર રહે અને મા દુર્ગા સમગ્ર વિશ્વને આશીર્વાદ આપે.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ, નવરાત્રિને દેવીના નવ સ્વરૂપો પ્રત્યે ભક્તિ અને ધ્યાનનું પ્રતીક ગણાવતા મા શૈલપુત્રીને નમન કર્યા અને દેશવાસીઓના સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરી.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ, નવરાત્રિને આદિશક્તિની પૂજાનો પવિત્ર તહેવાર ગણાવ્યો. તેમણે પ્રાર્થના કરી કે મા શૈલપુત્રી દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે.
કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે, નવરાત્રિની શરૂઆત પર શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે, મા દુર્ગાની શક્તિ અને આશીર્વાદ હંમેશા બધા સાથે રહે.
કોંગ્રેસ નેતા સચિન પાયલોટે પણ, નવરાત્રી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી અને માતા રાણીના આશીર્વાદથી દરેકનું જીવન સુખ, સમૃદ્ધિ અને સુખાકારીથી ભરેલું રહે તેવી પ્રાર્થના કરી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ