ભાવનગર 28 સપ્ટેમ્બર (હિ.સ.): રાજભાષા માહ – 2025 અંતર્ગત પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે જ ક્રમમાં તા. 26 સપ્ટેમ્બર 2025 (શુક્રવાર) ના રોજ રેલવે કોમ્યુનિટી હોલ, ભાવનગર પરા ખાતે વિભાગીય રાજભાષા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં મંડળના 13 વિભાગોએ સક્રિય રીતે ભાગ લીધો હતો, જ્યાં દરેક વિભાગે પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાજભાષા હિન્દીમાં કરવામાં આવતા કાર્યોનું પ્રદર્શન કર્યું. પ્રદર્શનનું ઉદ્ઘાટન મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા કરવામાં આવ્યું. આ અવસરે મંડળના અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ પ્રદર્શનની પ્રશંસા કરતાં તમામ વિભાગોને વધુમાં વધુ કાર્ય હિન્દીમાં કરવા માટે પ્રેરિત કર્યા તેમજ સૌને અભિનંદન પાઠવ્યા. સાથે જ પ્રદર્શનના સફળ આયોજન માટે તેમણે હિન્દી વિભાગની પણ પ્રશંસા કરી. રાજભાષા મહિના દરમિયાન અધિકારીઓ તથા કર્મચારીઓ માટે વિવિધ રસપ્રદ હિન્દી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે રાજભાષા હિન્દીના પ્રયોગ અને સંવર્ધનને પ્રોત્સાહન મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ