ભાવનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): સ્વચ્છતા હી સેવા – 2025 અભિયાન અંતર્ગત તા. 28 સપ્ટેમ્બર 2025 (રવિવાર) ના રોજ પી.એમ. કેન્દ્રીય વિદ્યાલય, ભાવનગર પરાના પરિસરમાં વૃક્ષારોપણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મંડળ રેલ પ્રબંધક (DRM) દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક (ADRM) હિમાઁશુ શર્મા, અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિદ્યાલયના પ્રાચાર્ય નીરજ જોનવાલની સક્રિય હાજરી રહી.
કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ હરિત પર્યાવરણ અને સ્થિર વિકાસના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે ભાગ લેનારાઓ દ્વારા કરવામાં આવેલું વાવેતર ભવિષ્યની પેઢીઓ માટે સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ સુનિશ્ચિત કરશે. તેમણે આ આયોજનને માત્ર ઔપચારિકતા તરીકે ન માનતા, પર્યાવરણ સંરક્ષણ, જનજાગૃતિ અને સામાજિક જવાબદારીનું પ્રતિક ગણાવ્યું.
વૃક્ષારોપણ અવસરે આપવામાં આવેલા પ્રેરક સંદેશાઓએ ઉપસ્થિત જનસમુદાયને સ્વચ્છતા અને હરિયાળીનું મહત્ત્વ આત્મસાત કરવા માટે પ્રેરિત કર્યા.
આ દરમ્યાન મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ વરિષ્ઠ અધિકારીઓ સાથે વિદ્યાલયનું નિરીક્ષણ પણ કર્યું. નિરીક્ષણ દરમિયાન તેમને આ જાણીને આનંદ થયો કે રજાઓ હોવા છતાં ધોરણ 10, 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે વધારાની કક્ષાઓનું સંચાલન કરવામાં આવે છે. વર્માએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમની અભ્યાસ પ્રગતિ અને વિદ્યાલયમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ