નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.). જીએસટી કાઉન્સિલે, પોલિસી ધારકોને મોટી રાહત આપી છે. હવે વ્યક્તિગત જીવન વીમા અને આરોગ્ય વીમા પોલિસીના પ્રીમિયમ સસ્તા થશે. વાસ્તવમાં, આ વીમા ઉત્પાદનોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માંથી મુક્તિ આપવામાં આવી છે. સુધારેલા દરો 22 સપ્ટેમ્બર, નવરાત્રીના પહેલા દિવસથી અમલમાં આવશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે, જીએસટી કાઉન્સિલની 56મી બેઠક બાદ આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, હવે તમામ પ્રકારની વ્યક્તિગત જીવન વીમા પોલિસી અને તેમના રિઇન્શ્યોરન્સ પર કોઈ જીએસટી રહેશે નહીં. આમાં ટર્મ લાઇફ, યુલીપ અથવા એન્ડોમેન્ટ પોલિસીનો સમાવેશ થાય છે. હાલમાં, તેમના પર 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે.
તેમણે કહ્યું કે, જીએસટી કાઉન્સિલના નિર્ણય પછી, હવે તેમના પર સંપૂર્ણ મુક્તિ રહેશે. આ ફેરફાર સાથે, તમામ વ્યક્તિગત જીવન વીમા પોલિસી - જેમાં ટર્મ લાઇફ, યુલીપ અને એન્ડોમેન્ટ પ્લાન અને તેમનો રિઇન્શ્યોરન્સ પણ શામેલ છે, હવે શૂન્ય જીએસટી શ્રેણીમાં આવશે. આ મુક્તિ ફેમિલી ફ્લોટર અને સિનિયર સિટીઝન પ્લાન સહિત તમામ વ્યક્તિગત આરોગ્ય વીમા પોલિસીઓ અને તેમના પુનર્વીમા પર પણ લાગુ પડશે. સીતારમણે કહ્યું કે, વીમા પર જીએસટી નાબૂદ કરવાથી તે સામાન્ય માણસ માટે વધુ સસ્તું બનશે. આનાથી દેશભરમાં વીમા કવરેજનો વિસ્તાર કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે વીમા ઉપરાંત, જીએસટી કાઉન્સિલે ઘણી આવશ્યક ચીજવસ્તુઓ પરના કર દરો પણ ઘટાડ્યા છે.
સીતારમણે કહ્યું કે, આરોગ્ય ક્ષેત્રની 33 જીવનરક્ષક દવાઓ પર જીએસટી દર 12 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે, જ્યારે કેન્સર, દુર્લભ અને લાંબા ગાળાના રોગોની સારવારમાં વપરાતી ત્રણ મહત્વપૂર્ણ દવાઓને પણ કરમુક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, યુએચટી દૂધ, ચીઝ અને રોટલી, ચપાતી અને પરાઠા જેવી તમામ ભારતીય રોટીઓ પર કોઈ જીએસટી રહેશે નહીં. નવા દર 22 સપ્ટેમ્બરથી દેશભરમાં લાગુ થશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ