પાટણ, 5 સપ્ટેમ્બર (હિ.સ.)અંબાજી મંદિરે પૂનમના મિની મહાકુંભ મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે, જેમાં ગુજરાત સહિત દેશભરના લાખો શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ ઉમટી પડ્યા છે. જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવવાનો અને નવરાત્રિમાં મા અંબાને આમંત્રણ આપવાનો આ મેળો શ્રદ્ધાનો મહાપર્વ છે, જે સાત દિવસ સુધી ચાલે છે.
પાટણના લિબડી વિસ્તારના રહેવાસી રમેશભાઈ હીરાભાઈ (મામુ) છેલ્લા 43 વર્ષથી માતાજીની ધજા સાથે અંબાજી પદયાત્રામાં જોડાય છે. 59 વર્ષની ઉંમર છતાં તેમનો ઉત્સાહ આજેય યથાવત છે અને તેઓ પદયાત્રા 51 વાર કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમની આ અડગ ભક્તિ ભક્તો માટે પ્રેરણાસ્ત્રોત છે.
રમેશભાઈના પુત્ર અમિત છેલ્લા 15 વર્ષથી પિતા સાથે પદયાત્રામાં સહભાગી બને છે, જ્યારે તેમના પૌત્ર ધ્રુત છેલ્લા બે વર્ષથી આ યાત્રામાં જોડાયો છે. આ ત્રણ પેઢીનું એકસાથે પદયાત્રા કરવું શ્રદ્ધા, સંસ્કાર અને ભક્તિનું અનોખું ચિહ્ન બની ગયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ