
પાટણ, 16 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના કાકોશીમાં આજે કોંગ્રેસ દ્વારા ‘જન સંવાદ પરિવર્તનનો શંખનાદ’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયતની કાકોશી-1, કાકોશી-2 અને ડીંડરોલ બેઠકો માટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના આયોજનને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠક સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાનીમાં યોજાઈ હતી, જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીદભાઈ માંકણોજીયા, દશરથભાઈ પટેલ સહિત પક્ષના કાર્યકરો અને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ પાયાના સ્તરે સંગઠન મજબૂત કરી ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવાનો હતો.
જન સંવાદ દરમિયાન વિસ્તારના ખેડૂતો અને રહીશો પર અસર કરતી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR)ની યોજનાને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોએ SIRને કારણે ઊભા થતા પ્રશ્નો અને સંભવિત અસરો અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
કોંગ્રેસના આગેવાનોએ કાર્યકરોને બૂથ સ્તર સુધી પહોંચીને લોકસંપર્ક વધારવા પર ભાર મૂક્યો હતો. કાકોશી અને ડીંડરોલ પંથકમાં પક્ષના પ્રચાર-પ્રસારને વેગ આપવા માટે સૂચનો મેળવી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તૈયારી શરૂ કરી કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ