

મહેસાણા, 16 જાન્યુઆરી (હિ.સ.) : એનસીસી, એમ.એન. કોલેજ, વિસનગર દ્વારા આજરોજ પક્ષી જગતના હિતાર્થે એક મહત્વપૂર્ણ આઉટરીચ / એક્સટેન્શન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ બાદ અનેક વિસ્તારોમાં પતંગની દોરીઓ ઝાડ, થાંભલા તેમજ જમીન પર અટવાઈ રહેતી હોવાથી પક્ષીઓ માટે મોટું જોખમ ઊભું થતું હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એનસીસી કેડેટ દ્વારા ગાયત્રી મંદિર આસપાસના વિસ્તારમાં દોરી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.
આ અભિયાન અંતર્ગત નીચે પડેલી તેમજ ઝાડ અને થાંભલામાં અટકાયેલી દોરીઓ એકત્રિત કરી સમગ્ર વિસ્તારને મહદ્અંશે દોરી મુક્ત કરવામાં આવ્યો. દોરીના કારણે પક્ષીઓના પાંખ, પગ કે ગળામાં ફસાઈ જવાથી ઇજા અથવા મૃત્યુ જેવી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ પક્ષી સંરક્ષણ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ અભિયાનમાં એનસીસી ના કુલ 18 કેડેટ અને એનસીસી ઑફિસર ડો. શક્તિ રામાનંદી સક્રિય રીતે જોડાયા હતા. તમામ કેડેટોએ ઉત્સાહ, શિસ્ત અને જવાબદારી સાથે કામગીરી કરી, જે તેમની સામાજિક જવાબદારી અને જીવદયા પ્રત્યેની ભાવના દર્શાવે છે.
એનસીસી, એમ.એન. કોલેજ, વિસનગર દ્વારા હાથ ધરાયેલી આ પહેલ માત્ર સફાઈ પૂરતી સીમિત નથી, પરંતુ સમાજમાં પક્ષી સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સશક્ત પ્રયાસ છે. આવી પ્રવૃત્તિઓ યુવાનોને સંવેદનશીલ અને જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરણા આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR