
પાટણ, 16 જાન્યુઆરી (હિ.સ.)પાટણ શહેરના ખાલકપુરા વિસ્તારમાં પતંગ પકડવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલીનું વેર રાખીને 15 જાન્યુઆરી, 2026ના રોજ એક મહિલાપર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો. ઈજાગ્રસ્ત મેનાબેન દેવસંગજી ઠાકોરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.
ઘટનાનું મૂળ કારણ 14 જાન્યુઆરીએ મેનાબેનના પૌત્ર જયદીપના પતંગ લેવા મુદ્દે પડોશીઓ સાથે થયેલી બોલાચાલી હતું. બીજા દિવસે બપોરે ટીનાજી બેચરજી ઠાકોર લાકડી લઈને આવી મેનાબેનના જમણા હાથના પંજા પર ફટકો માર્યો. આ દરમિયાન યોગેશજી બેચરજી ઠાકોર અને બચીબેન બેચરજી ઠાકોરે ગાળો આપી હુમલામાં મદદગારી કરી હતી.
મહિલાનો દીકરો વિજયજી આવી પહોંચતાં આરોપીઓ ફરાર થયા. પાટણ સિટી પોલીસે મેનાબેનની ફરિયાદના આધારે ત્રણેય સામે બી.એન.એસ.એસ.ની કલમ 115(2), 296(b), 54 તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ પણ કાર્યવાહી કરવામાં આવી છે. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર ચૌધરી કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ