
પાટણ, 21 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ શહેરમાં સ્થાપિત 276 સીસીટીવી કેમેરાઓ પોલીસ માટે અસરકારક ‘ત્રીજી આંખ’ સાબિત થયા છે. વર્ષ 2025 દરમિયાન પાટણ જિલ્લા અને શહેર પોલીસે સીસીટીવીની મદદથી પાંચ કેટેગરીના કુલ 146 ગુનાઓ અને બનાવોનો ભેદ ઉકેલ્યો છે. ગુનાખોરીના પગેરાં શોધવા તેમજ ગુમ થયેલી કે ચોરાયેલી વસ્તુઓ પરત મેળવવામાં આ કેમેરાઓ અત્યંત ઉપયોગી રહ્યા છે.
પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત છે. અહીંથી વિશાળ મોનિટરો દ્વારા શહેરના વ્યૂહાત્મક વિસ્તારો પર સતત નજર રાખવામાં આવે છે. સાથે સાથે સિદ્ધપુરમાં 149 અને રાધનપુરમાં 99 સીસીટીવી કેમેરા સ્થાપવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. વર્ષ 2025માં નેત્રમ કમાન્ડ રૂમની મદદથી મિસિંગ પર્સનના 33 કેસ ઉકેલાયા હતા. ઘરેથી કહ્યા વિના નીકળી ગયેલા કે ગુમ થયેલા બાળકોના કેસોમાં સીસીટીવી મહત્વપૂર્ણ સાબિત થયા. ઉપરાંત, મિસિંગ થિંગ્સના 43 કેસોમાં ખોવાયેલી બાઈક, મોબાઈલ, પર્સ, પાર્સલ અને અન્ય સામાન પરત મેળવવામાં પણ કેમેરાઓએ મદદ કરી.
પોસ્ટ ઇન્સિડન્સ ઇન્વેસ્ટિગેશન હેઠળ 17 ગુનાઓ, રોડ એક્સિડન્ટના 28 કેસ અને ચોરીના 26 ગુનાઓ સીસીટીવીના આધારે ઉકેલાયા હતા. ઘરફોડ, બાઈક ચોરી, મોબાઈલ ચોરી, મંદિરમાં ચોરી તેમજ અન્ય ગંભીર ગુનાઓમાં પણ સીસીટીવી પોલીસ માટે મજબૂત સાબિતી બની રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ