
ભાવનગર, 21 જાન્યુઆરી (હિ.સ.) : બગદાણા નવનીત બાલધિયા નામના કોળી યુવક પર હુમલા કેસમાં અંતે લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને SIT દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. ગુજરાતના ચકચારી જયરાજ માયાભાઈ આહિર બગદાણા વિવાદમાં હાલ મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર કેસમાં માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર પર હુમલાના આરોપ લાગતા SITએ તેમને આજે સાંજે પાંચ વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો છે.
બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી.
જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાઇવર્ટ કરી રહી છે. મારી માગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે.
ભાવનગરના બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં SITની રચના બાદ એક બાદ એક અપડેટ સામે આવી રહ્યા છે.શનિવારે બે પોલીસ ઈન્સપેક્ટરના નિવેદન લેવાયા બાદ સોમવારે ભોગ બનનાર નવનીત બાલધિયા SIT સમક્ષ નિવેદન આપવા પહોંચ્યા હતા.
SITની 2 કલાક લાંબી પૂછપરછ બાદ નવનીત બાલધિયાએ દાવો કર્યો હતો કે, તેમના દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા આપ્યા છે. જે પુરાવા મુજબ ટીમ તપાસ કરશે તો મુખ્ય સૂત્રધાર સુધી આસાનીથી પહોંચી જશે. સાથે વધુ એકવાર દાવો કર્યો હતો તે તેમના પર હુમલો જયરાજે જ કરાવ્યો છે. બાલધિયાએ કહ્યું કે, સામાન્ય કોન્સ્ટેબલ પણ માની રહ્યો છે કે, આ હુમલા પાછલ જયરાજ આહીરનો હાથ છે. ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, જો આ કેસમાં અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં અમારા સમાજનું સંમેલન બોલાવીશું.
બગદાણા હુમલા કેસમાં અત્યાર સુધીમાં નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતિષ વનાળીયા, ભાવેશ સેલાળા, વિરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવમાં SIT ટીમની રચના કરવામાં આવી હતી તે SIT ટિમની તપાસમાં પ્રથમ કાનભાઈ ભીખાભાઈ કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ