
- ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે નવી પોસ્ટ ઉભી કરી આખુ સંગઠન સોંપ્યું
- પટેલો પાસે બધુ છે પણ સાચી તાકાત એકતામાં; નરેશ પટેલની ટીકા નહીં, ટેકો આપો,
રાજકોટ, 21 જાન્યુઆરી (હિ.સ.) : રાજકોટ કાગવડ સ્થિત ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે 21 જાન્યુઆરી 2026ના રોજ નવ વર્ષ પૂર્ણ થયા છે. આ અવસર પર ખોડલધામ ખાતે હાલ વર્ષ 2026 કન્વીનર મિટિંગનું આયોજન થયું છે. જે કન્વીનર મિટિંગમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલના નામની ઘોષણા કરી છે. ત્યારે કાર્યક્રમ દરમિયાન ખોડલધામ સંગઠનના નવનિયુક્ત અધ્યક્ષ અનાર પટેલે પોતાનું પ્રથમ સંબોધન આપ્યું હતું
ખોડલધામ સંગઠનનાં અધ્યક્ષ તરીકે અનાર પટેલની જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે હવે ખોડલધામના સંગઠનને લગતાં તમામ પાયાનાં કામકાજની ધુરા અનાર પટેલના શિરે રહેશે.
નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરતાં જણાવ્યું હતું કે, સંગઠનને વધુ મજબૂત કરવા અને યુવા તેમજ મહિલા શક્તિને જોડવા માટે આ નિર્ણય લેવાયો છે. અત્યારસુધી પડદા પાછળ રહીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનાર પટેલ હવે સીધી રીતે ખોડલધામના સંગઠન માળખાનું નેતૃત્વ કરશે. કન્વીનર મીટમાં હાજર રહેલા સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકોએ આ નિર્ણયને વધાવ્યો હતો. આગામી સમયમાં ખોડલધામ દ્વારા યોજાનારા વિવિધ સામાજિક અને સંગઠનલક્ષી કાર્યક્રમોમાં અનાર પટેલની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે.
ખોડલધામ સંગઠન કન્વીનર મીટ 2026ના કાર્યક્રમમાં ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રોટોકોલ તોડીને નિર્ણય કરવો પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આ જાહેરાત જેના નામની થશે તે ગુજરાતમાં ગૌરવ જરૂર અપાવશે. ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે. ખોડલધામના કુલ 11 ઝોન છે ગુજરાતમાં જે પૈકી અમદાવાદ ઝોનમાં 3 અધ્યક્ષની સમિતિ બનાવવામાં આવી છે તેમાં પરષોત્તમ ઢેબરિયા, કનુ કોઠીયા અને વિઠ્ઠલ સાવલિયાની નિમણૂક કરવામાં આવી છે જે અમદાવાદનો કાર્યભાળ સંભાળશે. આ જ રીતે અમરેલી કે જે લેઉવા પાટીદાર સમાજનું પાટનગર છે, અમરેલી જિલ્લાના ઝોન અધ્યક્ષ તરીકે બાવકુભાઇ ઊંઘાળની નિમણૂક કરવામાં આવી છે.
અનાર પટેલે જણાવ્યું હતું કે, વર્ષો પછી આવડો મોટો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ. અમે છેલ્લા 8 મહિનાથી બધા જિલ્લામાં ફરી રહ્યા છીએ અને લાગણીઓ સમજવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. જવાબદારી બદલતી રહેશે અને આપણે નવા લોકોને સાથે આગળ લાવીશું. આ સમાજ છે પક્ષ નથી માટે બધાએ આપણા પોતાના સમાજ માટે કામ કરવાનું છે. સમાજ માટે મને હોદ્દો મળ્યો છે, અહીંયા બધું આપવાનું છે કશું લેવા માટે નથી. સમાજને કૈક પાછું આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભક્તિ સાથે એક્તાની શક્તિનું સૂત્ર છે જ્યાં ભક્તિ હોય ત્યાં મન ચોખ્ખું હોવું જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, ઘણી જગ્યાએ અમે હતાશ થઇ જઈએ, ત્યારે નરેશભાઈ એક જ વાક્ય કહે છે 'માની ઈચ્છાથી થશે, જે થશે માની ઈચ્છાથી થશે' આપણે એમનામાંથી ઘણું શીખવાનું છે. આ ટ્રસ્ટ એમણે ઉભું કર્યું છે, એમને ઘણા બધા લોકોએ ટેકો આપ્યો છે. આપણે એ બધાને સાથ આપવાનો છે અને એના માટે જ સંગઠિત થવાનું છે. પટેલો પાસે બધું જ છે પણ સમાજ માટે ઘણું કામ બાકી છે. મતભેદ હોવા જોઈએ મનભેદ ન હોવા જોઈએ. નાનામાં નાના પરિવારની ચિંતા કરીને આપણે સાથે કામ કરવાનું છે. આપણા સમાજના વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ.
સંગઠન સમિતિના સભ્ય જેનીબેન ઠુંમરે જણાવ્યું હતું કે, ગુજરાતના 31 જિલ્લામાં સંગઠન માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં જ્યાં લેઉવા પાટીદાર સમાજ વસે છે તે તમામ જગ્યાએ સંગઠન બનાવી બધાને એક તાંતણે બાંધવાનો પ્રયાસ છે. ગ્રામ સમિતિથી અધ્યક્ષ સુધી ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. બધાને જવાબદારી સોંપવામાં આવી છે અને સમાજમાં બધા એક જ સમાન છે. સહ ભક્તિ દ્વારા એક્તાની શક્તિના સૂત્ર સાથે સમાજના દરેક વર્ગને સાથે રાખી ખોડલધામ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ