
નવી દિલ્હી, 5 જાન્યુઆરી (હિ.સ.): અમેરિકાની ટેરિફ વધારાની ધમકી વચ્ચે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ, આ અઠવાડિયે બ્રસેલ્સની મુલાકાત લેશે અને તેમના યુરોપિયન યુનિયન (ઈયુ) સમકક્ષ સાથે પ્રસ્તાવિત ભારત-ઈયુ વેપાર કરાર પર ચર્ચા કરશે.
સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે, મંત્રી પીયૂષ ગોયલ મંગળવારે રાત્રે બ્રસેલ્સ જવા રવાના થશે. 8 અને 9 જાન્યુઆરીના રોજ તેમની બે દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન ગોયલ, ઈયુ ના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને યુરોપિયન ટ્રેડ કમિશનર મારોસ સેફકોવિક સાથે મુલાકાત કરશે.
બ્રસેલ્સ પહોંચતા પહેલા ગોયલ, વેપાર અને રોકાણ સંબંધો સુધારવા અંગે ચર્ચા કરવા માટે લિક્ટેંસ્ટીનમાં રોકાશે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ આ પ્રવાસમાં ગોયલની સાથે રહેશે. બહુપ્રતિક્ષિત ભારત-ઈયુ વેપાર કરાર પર વાટાઘાટો અંતિમ તબક્કામાં છે.
એ નોંધનીય છે કે લિક્ટેંસ્ટીન, યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઈએફટીએ) ના સભ્ય છે. ભારત અને ઈએફટીએ એ, 1 ઓક્ટોબર, 2025 થી મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. ઈએફટીએ ના અન્ય સભ્યોમાં આઇસલેન્ડ, લિક્ટેંસ્ટીન, નોર્વે અને સ્વિટ્ઝર્લૅન્ડનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ