
સુરત, 08 જાન્યુઆરી (હિ.સ.) : આજે મહિલાઓ દરેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે. ખેતી જેવા પરંપરાગત વ્યવસાયમાં પણ મહિલાઓ આગળ આવી રહી છે, ત્યારે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભાઠા ગામના ઉષાબેન દીપકભાઈ પટેલ એવી જ એક પ્રગતિશીલ મહિલા ખેડૂત છે, જેમણે છેલ્લા 33 વર્ષથી પોતાના બે વીઘા ખેતરમાં પાપડીની ખેતીની સાથોસાથ દક્ષિણ ગુજરાતના સ્વાદિષ્ટ ‘ઉંબાડિયા’નું વેચાણ કરી રહ્યા છે. ઉષાબેન પોતાના જખેતરની પાપડીથી સ્વાદિષ્ટ ‘ઉંબાડિયું’ તૈયાર કરે છે અને રોજના 90 કિલો ‘ઉંબાડિયા’નું વેચાણ કરે છે. અમેરિકા, લંડન અને દુબઈ જેવા દેશોમાંથી પણ ગ્રાહકો ઉષાબેનની પાપડી મંગાવે છે.
ધોરણ પાંચ સુધી ભણેલા ઉષાબેન પટેલ કહે છે કે, શરૂઆતમાં અમે પાપડીનું વેચાણ નવસારી બજારમાં કરતા હતા. સમય જતાં બજારમાં જવું મુશ્કેલ બનતું ગયું, તેથી ખેતરથી જ પાપડી વેચવાનો નિર્ણય કર્યો. ગુણવત્તા જાળવી રાખી એટલે ધીમે ધીમે ગ્રાહકો વધતા ગયા. આજે અમારી પાપડી દેશ-વિદેશ સુધી પહોંચી છે.
ઉષાબેન વધુમાં જણાવે છે કે, સાત વર્ષ પહેલાં ખેતરની પાપડીમાંથી ખાસ પ્રકારનું ઉંબાડિયું બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ઓછું બનાવતા હતા, પરંતુ લોકોના પ્રતિસાદ પછી વ્યવસાય વધતો ગયો. આજે દૂર-દૂરથી લોકો ભાઠા ગામમાં અમારૂં ઉંબાડિયું ખાવા આવે છે. રૂ.400 પ્રતિ કિલોના ભાવે દરરોજ આશરે 90 કિલો ઉંબાડિયુંનું વેચીએ છીએ.
પાપડી અને ઉબાડિયાં સાથે ઉષાબેન ખેતી આધારિત અન્ય વ્યવસાય પણ કરે છે. તેઓ કહે છે કે, મારા ખેતરમાં 24 જેટલા ગલેલીના ઝાડ છે, જેના થકી ગલેલીનો વ્યવસાય પણ ચાલે છે. ઉપરાંત, કેરીની સિઝનમાં કેસર કેરીનું પણ વેચાણ કરૂ છું. ખેતરમાં ઉગાડેલી 130 જેટલી કેસર કેરીની કલમો દ્વારા આવકનો વધુ એક સ્ત્રોત વિકસાવ્યો છે. મલ્ટિપલ બિઝનેસથી ખર્ચે કાઢતા ઉષાબેન વાર્ષિક રૂ.8થી 10 લાખની આવક મેળવી રહ્યા છે. પરિવારના સભ્યો ઉપરાંત આજુબાજુના લોકોને સાથે રાખીને કુલ મળીને 30 લોકોને રોજગાર મળી રહ્યો છે.
ખેતીને જીવનનો આધાર બનાવનાર ઉષાબેન પટેલ આજે પોતાના વિસ્તારની મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. તેઓ કહે છે કે, મહેનત, ગુણવત્તા અને વિશ્વાસ રાખીએ તો ખેતીમાંથી પણ સારો ધંધો ઊભો કરી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે