
સોમનાથ 9 જાન્યુઆરી (હિ.સ.)
સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જીવ માત્રનું કલ્યાણ થઈ રહ્યું છે. દાદાની દિવ્ય આશિષમાં સોમનાથની સ્થાનિક મહિલાઓ રોજગારી મેળવી સ્ત્રી સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે. સોમનાથ મહાદેવ મંદિરમાં સમાનઘરથી લઈ આકાશે લહેરાતી ધજા સુધી અને બિલ્વવનથી લઈને વસ્તુ પ્રસાદ સુધી મંદિર ટ્રસ્ટ દ્વારા ફક્ત સ્થાનિક મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.
ભગવાન સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા, સ્ત્રીસશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતનો એક નવો અધ્યાય લખાયો છે. અહીં, મહાદેવને અર્પણ થતાં પીતાંબર હવે માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની એક અનોખી પહેલ અંતર્ગત, આ પવિત્ર વસ્ત્રોમાંથી કલાત્મક અને આકર્ષક કુર્તા તૈયાર કરવામાં આવે છે, જે દેશ-વિદેશના શિવભક્તો સુધી મહાદેવના પ્રસાદ બનીને પહોંચ્યા છે જેની સાથે સોમનાથની આસપાસના ગામોની મહિલાઓને 'લખપતિ દીદી' બનાવવાનો માર્ગ પણ મોકળો થયો છે.
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનું 'નારી શક્તિ'ને 'રાષ્ટ્ર શક્તિ' બનાવવાનું ઓજસ્વી માર્ગદર્શન આ પહેલમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.
આ પહેલ સોમનાથની સામાજિક જવાબદારીની ઊંડી પરંપરાનો જ એક વિસ્તાર છે જેમાં આ પહેલાં પણ, શ્રી સોમનાથ મહાવેદ અને માતા પાર્વતીના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલા પવિત્ર વસ્ત્રોને હજારો જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવ્યા છે. મહાદેવનો આ વસ્ત્ર પ્રસાદ જ્યારે કોઈ વ્યક્તિ સુધી પહોંચે છે, ત્યારે તેની સાથે એક અમૂલ્ય સંદેશ પણ જાય છે કે, તે ક્યારેય એકલો નથી, કારણ કે 'સૌના નાથ એવા સોમનાથ તેની સાથે છે'.
આત્મા, પરમાત્મા અને આત્મીયતાની આ ભાવનાને આગળ વધારતા, ટ્રસ્ટે આસ્થાને આત્મનિર્ભરતા સાથે જોડી છે. પ્રધાનમંત્રીશ્રીની 'લખપતિ દીદી'ની સંકલ્પના, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓની વાર્ષિક આવકને એક લાખ રૂપિયાથી વધુ કરવાનો છે, તેને શ્રી સોમનાથ ટ્રસ્ટે ધાર્મિક અને આધુનિક બિંદુઓનો અદ્ભુત સંગમ કરીને સાકાર રૂપ આપ્યું છે. જેની સાથે આસ્થાના તાંતણે ગૂંથાઈ રહ્યું છે આત્મનિર્ભરતાનું વસ્ત્ર.
સ્થાનિક મહિલાઓ મહાદેવને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરાયેલા પીતાંબરને ખૂબ જ કલાત્મકતાથી ભવ્ય વસ્ત્ર પ્રસાદના રૂપમાં પરિવર્તિત કરી રહી છે. આ કુર્તાઓની વિશેષતા માત્ર તેમનું પવિત્ર મૂળ જ નથી, પરંતુ તેમની આધુનિક ડિઝાઇન પણ છે. રંગબેરંગી, ડિઝાઇનર કોલર અને ડમરૂ, ત્રિશુલ, શિખર સહિતની શિવ-તત્વ સાથે જોડાયેલી વિશેષ બેક પ્રિન્ટ સાથે તૈયાર કરાયેલા આ કુર્તા આજના સમયના ફેશન ટ્રેન્ડને પણ પૂરા કરે છે.
સોમનાથની નજીકના ગામડાઓની મહિલાઓ, જે આ પહેલ સાથે જોડાયેલી છે, તેમના ચહેરા પર એક નવો આત્મવિશ્વાસ છે. તે કહે છે, ' દાદા સોમનાથના દિવ્ય આશિષથી આજે અમે ઘરના ઉંબરો ઓળંગી ખુદ પગભર બન્યા છીએ. પહેલા અમે ઘરના કામો સુધી જ સીમિત અમારી ઓળખ આજે અમારા હાથથી બનેલા કુર્તા સાથે ભગવાનના આશીર્વાદ બનીને દેશના ખૂણે-ખૂણે પહોંચી છે જેના વિચાર માત્રથી જ મન ગર્વથી ભરાઈ જાય છે.
સોમનાથ ટ્રસ્ટની આ વાત્સલ્ય રૂપી યોજના એ સુનિશ્ચિત કરી રહી છે કે અનેક મહિલાઓ દ્વારા નિર્મિત આ વસ્ત્ર પ્રસાદ માત્ર સ્થાનિક બજારો સુધી સીમિત ન રહે. ટ્રસ્ટની વેબસાઇટ દ્વારા સુદ્રઢ વિતરણ પ્રણાલીથી, આ આકર્ષક કુર્તા દિલ્હી, મુંબઈ, બેંગલુરુ જેવા મહાનગરો અને દેશ-વિદેશમાં બેઠેલા ભક્તો સુધી પહોંચ્યા છે. જેનાથી ન માત્ર આ મહિલાઓની આવકમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે, પરંતુ તેમની કળા અને મહેનતને એક રાષ્ટ્રીય મંચ પણ મળ્યું છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગ્રામીણ મહિલાઓને કૌશલ્ય વિકાસ માટે વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ