સોમનાથ મંદિરના માધ્યમથી 363 મહિલાઓને વર્ષે 9 કરોડની રોજગારી
- સોમનાથ મંદિર ટ્રસ્ટમાં 252 મહિલાઓ વિવિધ પદો પર બખૂબીથી બજાવે છે ફરજો - બિલ્વ વનનું સંપૂર્ણપણે નારીશક્તિ દ્વારા સંચાલન કરવામાં આવે છે - પ્રસાદ વિતરણમાં ૫૫ અને ભોજનાલયમાં 35 મહિલા કામ કરી મેળવી રહી છે સોમનાથ,09 જાન્યુઆરી (હિ.સ.) ભારતની પ્
સોમનાથ મંદિરના માધ્યમથી 363 મહિલાઓને વર્ષે 9 કરોડની રોજગારી


સોમનાથ મંદિરના માધ્યમથી 363 મહિલાઓને વર્ષે 9 કરોડની રોજગારી


- સોમનાથ મંદિર ટ્રસ્ટમાં 252 મહિલાઓ વિવિધ પદો પર બખૂબીથી બજાવે છે ફરજો

- બિલ્વ વનનું સંપૂર્ણપણે નારીશક્તિ દ્વારા સંચાલન કરવામાં આવે છે

- પ્રસાદ વિતરણમાં ૫૫ અને ભોજનાલયમાં 35 મહિલા કામ કરી મેળવી રહી છે

સોમનાથ,09 જાન્યુઆરી (હિ.સ.) ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહર અને આધ્યાત્મિક ચેતનાનું જીવંત પ્રતીક એવા શ્રી સોમનાથ મંદિરને વિશ્વ શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર તરીકે ઓળખે છે.પરંતુ આજે આ પવિત્ર ધામ માત્ર પૂજા-અર્ચના અને દર્શન સુધી સીમિત નથી રહ્યું, તે મહિલા સશક્તિકરણનું સશક્ત અને પ્રેરણાદાયક કેન્દ્ર બની ઊભર્યું છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અપનાવવામાં આવેલા માનવકેન્દ્રિત અને સમાજહિતલક્ષી અભિગમથી મહિલાઓને આત્મનિર્ભર બનવાની નવી દિશા મળી છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટમાં હાલ કુલ 906 કર્મચારીઓ સેવા આપી રહ્યા છે, જેમાંથી 262 મહિલાઓ છે. આ આંકડો માત્ર સંખ્યા નથી, પરંતુ ટ્રસ્ટની સમાવેશક વિચારધારા અને સમાન અવસરની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. મંદિર સંચાલન, સેવાકીય કામગીરી અને દૈનિક વ્યવસ્થામાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી કાર્યપ્રણાલીમાં સંવેદનશીલતા, શિસ્ત અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળે છે.

મંદિર પરિસરમાં આવેલું પવિત્ર બિલ્વ વન સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંભાળવામાં આવે છે, તે વિશેષ ગૌરવની બાબત છે.

અહીં કાર્યરત 16 મહિલાઓ પર્યાવરણ સંરક્ષણ, હરિત સંવર્ધન અને સ્વચ્છતા સાથે મંદિરની પવિત્રતાને જાળવી રાખી રહી છે. આ વ્યવસ્થા મહિલાઓના કુશળ સંચાલન અને જવાબદારીભાવનું ઉત્તમ ઉદાહરણ બની છે.

આ ઉપરાંત, મંદિરના ભોજનાલયમાં 30 મહિલાઓ દ્વારા નિષ્ઠાપૂર્વક સેવા આપવામાં આવી રહી છે. હજારો શ્રદ્ધાળુઓને પ્રેમ અને સેવાભાવથી ભોજન પીરસતી આ મહિલાઓ મંદિરની માનવસેવી પરંપરાને જીવંત રાખે છે. પ્રસાદ વિતરણ જેવી પવિત્ર અને વિશ્વાસભરેલી કામગીરીમાં ૬૫ મહિલાઓની ભાગીદારી તેમની શિસ્ત, સમર્પણ અને વિશ્વસનીયતાને દર્શાવે છે.

કુલ મળીને સોમનાથ મંદિર ટ્રસ્ટના માધ્યમથી 363 મહિલાઓને સીધી રોજગારી મળી રહી છે. આ તમામ મહિલાઓ દ્વારા વર્ષે અંદાજે 9 કરોડ રૂપિયાની આવક સર્જાઈ રહી છે, જે તેમના આર્થિક સ્વાવલંબન અને જીવનસ્તરમાં થતા સકારાત્મક પરિવર્તનનું સ્પષ્ટ સૂચક છે. આ આવક સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

આ રીતે શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટે આધ્યાત્મિક વારસાને સામાજિક જવાબદારી સાથે સુમેળમાં રાખી મહિલા સશક્તિકરણનો એક અનુસરવા યોગ્ય મોડેલ ઉભો કર્યો છે. શ્રદ્ધાના આ પવિત્ર ધામમાંથી આજે આત્મવિશ્વાસ, સ્વાભિમાન અને સ્વાવલંબનની સુગંધ પ્રસરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande