


પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) રાજ્ય કક્ષાના કલા મહાકુંભ 2025 માં પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા સિદ્ધપુરના ક્રિએટિકા થિયેટર હબના કલાકારોએ ભવાઈ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો. આ સ્પર્ધા સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી.
કલાકારોએ ગુજરાતની 700 વર્ષ જૂની પરંપરાગત લોકનાટ્ય કલા ભવાઈના વિવિધ વેશોની શ્રેષ્ઠ રજૂઆત કરી. પ્રસ્તુતિમાં સમાન ગણપતિ, બ્રાહ્મણિયા, જૂઠ્ઠણ અને મહાકાળી જેવા વેશોને અસલ પરંપરાગત સ્વરૂપમાં દેખાડવામાં આવ્યું.
યાજ્ઞિક ચૌહાણના દિગ્દર્શન હેઠળ ઉદ્ધવ વ્યાસ, સાક્ષી રામી, જય નાયક, વૃતિક પટેલ, માલિન મજમુદાર, નરેશ પ્રજાપતિ, ક્રિશ રાવળ, કૃણાલ રાવળ, રાહુલ મકવાણા અને આસ્થા લિમ્બાચિયા જેવા કલાકારોના જીવંત અભિનયથી પ્રેક્ષકો અને નિર્ણાયક પ્રભાવિત થયા.
ક્રિએટિકા થિયેટર હબના કલાકારોએ સતત બીજા વર્ષે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને પાટણ જિલ્લાની કલાશક્તિનું પ્રતિનિધિત્વ કર્યું. આ પ્રસ્તુતિએ લુપ્ત થતી ભવાઈ લોકકળાને જીવંત રાખવાની સાથે સાંસ્કૃતિક ક્ષેત્રમાં વિશેષ આકર્ષણ મેળવ્યું. ગાંધીનગરના કમિશનર અને યુવક સેવા દ્વારા આયોજિત કાર્યક્રમમાં સમગ્ર રાજ્યના પ્રતિભાશાળી કલાકારો વચ્ચે પાટણની ટીમે વિજેતા બની સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ