ઓછા ખર્ચે, સ્વસ્થ જમીન સાથે, સ્વાવલંબી બનવું હોય તો પ્રાકૃતિક કૃષિ અપનાવવી જ પડશે: દશરથભાઈ ચૌધરી
ગાંધીનગર, 09 જાન્યુઆરી (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામે વસતા ચૌધરી દશરથભાઈ શિવાભાઈ શિક્ષક હોવા છતાં ખેતી પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે. બી.એ. તથા પી.ટી.સી. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેમણે શિક્ષક તરીકે સમાજસેવામાં પ
દશરથભાઈ ચૌધરી


પ્રાકૃતિક કૃષિ


ગાંધીનગર, 09 જાન્યુઆરી (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામે વસતા ચૌધરી દશરથભાઈ શિવાભાઈ શિક્ષક હોવા છતાં ખેતી પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે. બી.એ. તથા પી.ટી.સી. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેમણે શિક્ષક તરીકે સમાજસેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. પરંતુ જમીન સાથેનો નાતો ક્યારેય તૂટ્યો નહીં અને ખેતી પ્રત્યેનો તેમનો શોખ અને લાગણીઓ આજે અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યો છે.

શરૂઆતમાં તેઓ પરંપરાગત ખેતી કરતા હતા, જેમાં રાસાયણિક ખાતરો અને દવાઓનો ભરપૂર ઉપયોગ થતો. પરિણામે ઉત્પાદન તો મળતું હતું, પરંતુ દર વર્ષે નવી નવી બીમારીઓ, વધતો ખર્ચ અને જમીનની શક્તિમાં ઘટાડો જેવા અનેક પડકારો સામે આવવા લાગ્યા. આ પરિસ્થિતિએ તેમને વિચારવા મજબૂર કર્યા કે “આ ખેતી પદ્ધતિ લાંબા ગાળે ટકી શકે એવી નથી.”

વર્ષ 2018થી દશરથભાઈએ આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી અપનાવી. શરૂઆતમાં સંશય હતો, પરંતુ શિક્ષક તરીકે શીખવાની અને શીખવવાની ટેવ હોવાથી તેમણે પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતોને ઊંડાણપૂર્વક સમજ્યા અને પ્રયોગમાં પણ કર્યા.

બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, મિશ્ર પાક પદ્ધતિ, આચ્છાદન અને વાપસા જેવા પ્રાકૃતિક કૃષિના આયામોનો નિયમિત ઉપયોગ તેમણે શરૂ કર્યો. આજે તેઓ સાત વર્ષથી સતત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અને તેના ઉત્તમ પરિણામો મેળવી રહ્યા છે.

દશરથભાઈ એ 8 વીઘા જમીનમાં બટાકાનું વાવેતર કરેલું છે. તેમાંથી 2 વીઘામાં તેમણે પ્રાકૃતિક પદ્ધતિથી લાલ બટાકાનું વાવેતર કર્યું છે. આશ્ચર્યજનક રીતે પ્રાકૃતિક ખેતીમાં બટાકાના પાકમાં વાયરલ કે અન્ય ગંભીર રોગો જોવા મળતા નથી. ખાટી છાશ જેવા દેશી ઉપચારથી જીવાત અને રોગ નિયંત્રણ સહજ રીતે થઈ જાય છે.

જેના કારણે ઉત્પાદનમાં પણ ખાસ ઘટાડો નથી, જ્યારે ખર્ચ નોંધપાત્ર રીતે ઓછો થાય છે. રાસાયણિક ખેતીમાં જ્યાં ઇનપુટ કોસ્ટ વધી જાય છે, ત્યાં પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે સંતુલિત ઉત્પાદન મળતાં નફાનો ધોરણ પણ સુધરે છે.

શાળામાં વિદ્યાર્થીઓને પાઠ ભણાવતા દશરથભાઈ આજે ખેતરમાં ખેડૂતોને પણ જીવનનો પાઠ શીખવી રહ્યા છે. તેઓ માને છે કે પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ વિચારધારા છે. જે જમીન, પર્યાવરણ અને માનવ આરોગ્યને બચાવે છે.

“ઓછા ખર્ચે, સ્વસ્થ જમીન સાથે, સ્વાવલંબી બનવું હોય તો પ્રાકૃતિક કૃષિ અપનાવવી જ પડશે.”

દશરથભાઈની એવી ઇચ્છા છે કે,વધુમાં વધુ ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી અપનાવે, રાસાયણિક નિર્ભરતા ઘટાડે અને પોતાની જમીનને ફરી જીવંત બનાવે. તેમનો અનુભવ આજે અનેક ખેડૂતો માટે માર્ગદર્શક બની રહ્યો છે.

પ્રાકૃતિક કૃષિ ખેડૂત તરીકે દશરથભાઈનું જીવન એ સાબિત કરે છે કે જ્યારે જ્ઞાન, અનુભવ અને પ્રકૃતિ સાથે ચાલીએ, ત્યારે ખેતી પણ સુખદ અને સમૃદ્ધ બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande