


સુરત, 08 જાન્યુઆરી (હિ.સ.) : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિવસના અવસરે સુરત શહેરમાં સેવાભાવના સાથે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. જન્મદિનની ઉજવણીને ભવ્ય નહીં, પણ દિવ્ય બનાવવાના હેતુ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં આયોજિત વિવિધ સેવા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય, બાળકલ્યાણ, મહિલા સશક્તિકરણ, વૃદ્ધસેવા અને જીવદયા ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જન્મદિનની સેવાસભર ઉજવણી કરી હતી.
સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સીધી મદદ પહોંચે તેવા ઉદ્દેશ સાથે સુરતના ઉધના, વેસુ, પાંડેસરા, અલથાણ, અઠવાલાઈન્સ, ભટાર અને સિટી લાઇટ સહિતના વિસ્તારોમાં આરોગ્ય, માનવસેવા અને કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નાગરિકો, સામાજિક સંસ્થાઓ તથા સ્વયંસેવકોનો ઉત્સાહભેર જોડાયા હતા.
સંઘવીના જન્મદિને ઉમરાના કોમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે સિટીલાઇટ વિસ્તારમાં ગંગાસ્વરૂપા બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત શહેરની વિવિધ હોસ્પિટલોમાં નિઃશુલ્ક OPD, નિઃશુલ્ક નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી, મોતિયાના ઓપરેશન અને બ્લડ ડોનેશન કેમ્પો યોજાયા હતા, જેનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો.
SVNM- સ્વામિ વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત મોતિયાના 101 નિઃશુલ્ક ઓપરેશન, લાયન્સ કેન્સર હોસ્પિટલ પ્રેરિત વિજયલક્ષ્મી કેર ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં મેડિકલ કેમ્પો યોજાયા હતા. ડાયમંડ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક OPD, ફ્રી ડિલિવરી, દીકરીના જન્મ પર રૂપિયા 1 લાખના બોન્ડ, મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા દર્દીઓ અને તેમના પરિવારજનો ખુશખુશાલ બન્યા હતા.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નાના બાળકો માટે રમકડાં, પોષણ કીટ, ફળ, બેબી બ્લેન્કેટ અને અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. અલથાણ સ્થિત શેલ્ટર હોમના બાળકોને નવા કપડાં ભેટ અપાયા હતા, જ્યારે અઠવાલાઈન્સના ઈચ્છાનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા અનાથ આશ્રમના ૧૭૫ બાળકોને સ્કૂલબેગ, સ્ટેશનરીનું વિતરણ તેમજ LN4 પ્રોસ્ટેથેટિક હેન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
વેસુ વિસ્તારમાં સિનિયર સિટીઝન્સ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ સાથે જન્મદિવસની આત્મીય ઉજવણી કરવામાં આવી હતી. ખાટુશ્યામ મંદિરમાં કુપોષિત બાળકો, ગર્ભવતી મહિલાઓ, વિધવા તથા નિરાધાર વૃદ્ધ માતાઓને પોષણ કીટ, રાશન કીટ અને નવા કપડાંનું વિતરણ કરાયું હતું. સાથે જ મહિલાઓ અને બાળકો માટે સમૂહ ભોજનનું આયોજન તેમજ સફાઈકર્મીઓ માટે કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી ટુ-વ્હીલર ચાલકો માટે સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમથી નેટીઝન્સના બચાવ માટે સાયબર અવેરનેસના પુસ્તકોનું વિતરણ કરીને જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં ગૌપૂજન, લીલો ઘાસચારો અને લાડુની સેવા દ્વારા જીવદયાની ભાવનાને વધુ સશક્ત બનાવવામાં આવી હતી.
આ તમામ સેવાકીય કાર્યક્રમોમાં નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. તેમણે વિવિધ સ્થળોએ પહોંચી સ્વહસ્તે લાભાર્થીઓને રાશન કીટ, કપડાં, પોષણ સામગ્રી અને અન્ય સહાય વિતરણ કરી બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને દર્દીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,“જન્મદિવસ મારા માટે વ્યક્તિગત ઉજવણીનો દિવસ નથી, પરંતુ સમાજના અંતિમ છેડે ઉભેલા વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાનો અવસર છે. જન્મદિન એ ‘સેવાનું પર્વ’ બને એવો મારો અને પરિવારજનોનો વર્ષોથી આગ્રહ રહ્યો છે. સુરત શહેરમાં આજના સેવાકીય કાર્યક્રમોમાં ગરીબ, અનાથ બાળકો, મહિલાઓ, વૃદ્ધો, દર્દીઓ અને અબોલ જીવોની સેવા એ માનવતા અને સંવેદનાનું ઉદાહરણ બને એવો પ્રયાસ રહ્યો છે.”
સુરતવાસીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓએ સાથે મળીને આજે સેવાની સરવાણી વહાવી છે તે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, સેવા, સંવેદના અને સહકારની આ ભાવનાને સતત આગળ વધારીશું તો જનસેવા વધુ સુદ્રઢ અને સેવાકેન્દ્રી બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે