કોલકતામાં આઈ-પેકના કાર્યાલય પર ઈડી નો દરોડો, મમતા બેનર્જીએ અમિત શાહ પર નિશાન સાધ્યું
કોલકતા, નવી દિલ્હી, 8 જાન્યુઆરી (હિ.સ): એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, ગુરુવારે સવારે પશ્ચિમ બંગાળ સરકારને સલાહ આપતી રાજકીય સલાહકાર એજન્સી ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (આઈ-પેક) ના સોલ્ટ લેક સેક્ટર-વી કાર્યાલય અને તેના સ્થાપક પ્રતીક જૈનના લાઉડન
ઈડી ના દરોડા


કોલકતા, નવી દિલ્હી, 8 જાન્યુઆરી (હિ.સ): એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, ગુરુવારે સવારે પશ્ચિમ બંગાળ સરકારને સલાહ આપતી રાજકીય સલાહકાર એજન્સી ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (આઈ-પેક) ના સોલ્ટ લેક સેક્ટર-વી કાર્યાલય અને તેના સ્થાપક પ્રતીક જૈનના લાઉડન સ્ટ્રીટ નિવાસસ્થાન પર દરોડા પાડ્યા. એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીથી ઈડી ની એક ખાસ ટીમે દરોડા પાડ્યા હતા. આ દરોડો દિલ્હીમાં નોંધાયેલા કોલસાની દાણચોરીના જૂના કેસ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.

દરોડાના સમાચાર મળતાં, મુખ્યમંત્રી મમતા બેનર્જી બપોરના સુમારે અચાનક પ્રતીક જૈનના નિવાસસ્થાને પહોંચ્યા. મુખ્યમંત્રીના આગમનના લગભગ પાંચ મિનિટ પહેલા કોલકાતા પોલીસ કમિશનર મનોજ વર્મા પણ ઘટનાસ્થળે હાજર હતા.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દરોડાને રાજકીય કાવતરું ગણાવતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, દુર્ભાગ્યવશ, અમારી આઈટી સેલ ઓફિસને નિશાન બનાવવામાં આવી હતી અને બધી હાર્ડ ડિસ્ક જપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ એક ઇરાદાપૂર્વકની રાજકીય રણનીતિનો ભાગ હોય તેવું લાગે છે.

તેમણે કહ્યું કે, અમિત શાહ એક એવા ગૃહમંત્રી છે, જે દેશનું રક્ષણ કરી શકતા નથી. અમલીકરણ એજન્સીઓ અને ગૃહ મંત્રાલય લોકશાહી સંસ્થાઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા છે. એક તરફ, મતદારોના નામ કાઢી નાખવામાં આવી રહ્યા છે, અને બીજી તરફ, ગેરકાયદેસર રીતે સંવેદનશીલ ડેટા એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઈડી ની કાર્યવાહીના સમાચાર ફેલાતાં, રાજ્યનું રાજકારણ ઉથલપાથલભર્યું બની ગયું. દરમિયાન, સીપીઆઈ(એમ) ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે ગુરુવારે બપોરે એક કટોકટી પત્રકાર પરિષદ બોલાવી હતી, જેને આઈ-પેક દરોડા સાથે જોડી દેવામાં આવી રહી છે.

શાસક તૃણમૂલ કોંગ્રેસ અને રાજ્ય વહીવટીતંત્રમાં પણ ચર્ચાઓ તેજ બની છે. પ્રતીક જૈનને રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં એક પ્રભાવશાળી વ્યક્તિ માનવામાં આવે છે. તેઓ નવાન્નામાં ઘણી વખત મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા, આઈ-પેક સરકાર અને શાસક પક્ષ વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરે છે, ખાસ કરીને કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે.

આઈ-પેક વરિષ્ઠ અમલદારો સાથે પણ નિયમિત સંપર્ક જાળવી રાખે છે અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી અને તેમના કાર્યાલય સાથે નજીકથી કામ કરે છે. ઉમેદવારોની પસંદગીથી લઈને વિધાનસભા ચૂંટણી સુધી, આઈ-પેક સમગ્ર ચૂંટણી વ્યૂહરચનામાં મુખ્ય ભૂમિકા ભજવે છે તેવું માનવામાં આવે છે.

એ નોંધવું જોઈએ કે, 2014ની લોકસભા ચૂંટણી પહેલા સ્થપાયેલી કંપની આઈ-પેક ના સ્થાપક પ્રશાંત કિશોર, 2019ની લોકસભા ચૂંટણીથી તૃણમૂલ કોંગ્રેસ અને બંગાળ સરકાર સાથે કામ કરી રહ્યા છે. 2021ની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીમાં પણ આઈ-પેક એ પાર્ટીને પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછી લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande