
- દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાઈટમાં કોકપિટમાં હિંસક ઘટના, ઈજાગ્રસ્ત થયા છતાં કેપ્ટન સ્મિત મછારે સંભાળી પરિસ્થિતિ
અમરેલી, 01 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા સાથે જોડાયેલા પરિવાર માટે ગૌરવની ક્ષણ સામે આવી છે. સાવરકુંડલાના જમાઈ અને ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મછાર દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાઈટમાં બનેલી ગંભીર ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હોવા છતાં વિમાનમાં સવાર મુસાફરોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફ્લાઈટમાં આશરે 180 મુસાફરો સવાર હોવાના અહેવાલો સામે આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ફ્લાઈટ FZ1073 દુબઈથી તેલ અવિવ તરફ જઈ રહી હતી. ઉડાન દરમિયાન કોકપિટમાં પાયલોટ્સ વચ્ચે હિંસક ઘટના બની હતી અને વિમાનમાં ઇમરજન્સી તથા હાઈજેક સંબંધિત એલર્ટ પણ જારી થયું હતું. ત્યારબાદ વિમાનને ઈઝરાયેલના બદલે સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.
અહેવાલો અનુસાર, કેપ્ટન સ્મિત મછાર પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમ છતાં તેમણે પરિસ્થિતિને સંભાળી વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ ઘટનામાં મુસાફરો અને ક્રૂના સભ્યોએ પણ હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
કેપ્ટન સ્મિત મછારનો પરિવાર સાવરકુંડલા સાથે જોડાયેલો છે. તેમના સગા હિરેન જોગીના જણાવ્યા પ્રમાણે, ઘટનાની જાણ થતાં પરિવાર ચોંકી ગયો હતો, પરંતુ સ્મિતે મુશ્કેલ પરિસ્થિતિમાં મુસાફરોની સુરક્ષા માટે જે હિંમત બતાવી તેના કારણે પરિવારને તેમના પર ગર્વ છે.
કેપ્ટન સ્મિત મછાર પાસે લાંબો ઉડ્ડયન અનુભવ હોવાનું પણ જણાવાયું છે. અહેવાલો અનુસાર, તેમણે 11 વર્ષથી વધુ સમય સુધી સ્પાઈસજેટમાં પાયલોટ તરીકે કામ કર્યું છે અને 9,500થી વધુ ફ્લાઈંગ કલાકનો અનુભવ ધરાવે છે. તેમાં 6,400થી વધુ કલાક પાયલોટ-ઈન-કમાન્ડ તરીકેની ફરજનો સમાવેશ થાય છે.
હાલ કેપ્ટન સ્મિત મછારની સાઉદી અરેબિયામાં સારવાર ચાલી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ ઘટનાએ ફરી એક વખત બતાવ્યું છે કે, આકાશમાં અચાનક સર્જાતી ગંભીર પરિસ્થિતિમાં પાયલોટની તાલીમ, અનુભવ અને નિર્ણયક્ષમતા કેટલી મહત્વપૂર્ણ બની શકે છે.
સાવરકુંડલા સાથે જોડાયેલા કેપ્ટન સ્મિત મછારની આ ઘટના બાદ, સ્થાનિક લોકો અને પરિવારજનોમાં તેમના સાહસની ચર્ચા થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai / માધવી વ્યાસ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ