
સોમનાથ,01 ઓક્ટોબર (હિ.સ.) વિશ્વ હૃદય દિવસ નિમિત્તે હૃદયરોગ અંગે જનજાગૃતિ ફેલાવવા અને નાગરિકોને હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બનાવવા માટે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત ધન્વંતરી આરોગ્ય રથ, મોબાઈલ હેલ્થ યુનિટ (MHU), મોબાઈલ મેડિકલ યુનિટ (MMU) ના વાહનો દ્વારા વિવિધ વિસ્તારોમાં આરોગ્ય તપાસ અને જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન નાગરિકો, શ્રમિકો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં હૃદયરોગથી બચવાના ઉપાયો, નિયમિત બ્લડ પ્રેશર અને બ્લડ શુગરની તપાસ, યોગ્ય આહાર, નિયમિત શારીરિક પ્રવૃત્તિ, તમાકુ અને ધૂમ્રપાનથી દૂર રહેવા તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.
વિવિધ સ્થળોએ યોજાયેલી આરોગ્ય તપાસ દરમિયાન લાભાર્થીઓનું બ્લડ પ્રેશર, બ્લડ શુગર સહિતની જરૂરી પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય સંબંધિત સમસ્યા જણાય તેવા લાભાર્થીઓને તબીબી સલાહ તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ “હૃદયને સ્વસ્થ રાખો, સ્વસ્થ જીવન જીવો”ના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો અને હૃદયરોગના જોખમકારક પરિબળો અંગે સમયસર જાગૃતિ લાવવાનો હતો.
ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ મોબાઈલ આરોગ્ય સેવાઓ દ્વારા લોકોના ઘરઆંગણે અને તેમના નજીકના વિસ્તારોમાં આરોગ્યસેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. વિશ્વ હૃદય દિવસ નિમિત્તે આયોજિત આ અભિયાન દ્વારા પણ મોટી સંખ્યામાં નાગરિકોને આરોગ્ય જાગૃતિ અને પ્રાથમિક તપાસનો લાભ મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ