નખત્રાણામાં ગૌસેવાના સંકલ્પ સાથે અનોખી ગૌ નવરાત્રિ : 3 ઓક્ટોબરે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ભક્તિ અને સેવાભાવનો સંગમ
કચ્છ, 01 ઓક્ટોબર (હિ.સ.) : નખત્રાણા ખાતે નવરાત્રિના પર્વને ગૌસેવા સાથે જોડીને સેવાભાવ અને ધાર્મિક આસ્થાનો અનોખો સંદેશ આપવામાં આવનાર છે. અનંત ગ્રૂપ દ્વારા આગામી ૩ ઓક્ટોબરે નવરાત્રિ પૂર્વે ‘ગૌ નવરાત્રિ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. ગૌસેવાના લા
નખત્રાણા ગૌ નવરાત્રી


કચ્છ, 01 ઓક્ટોબર (હિ.સ.) : નખત્રાણા ખાતે નવરાત્રિના પર્વને ગૌસેવા સાથે જોડીને સેવાભાવ અને ધાર્મિક આસ્થાનો અનોખો સંદેશ આપવામાં આવનાર છે. અનંત ગ્રૂપ દ્વારા આગામી ૩ ઓક્ટોબરે નવરાત્રિ પૂર્વે ‘ગૌ નવરાત્રિ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. ગૌસેવાના લાભાર્થે યોજાનારા આ વિશેષ કાર્યક્રમમાં ધાર્મિક વાતાવરણ સાથે ગૌમાતાની સેવા માટે લોકજાગૃતિ અને સહયોગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

અનંત ગ્રૂપના ધ્રુવ જોશીએ જણાવ્યું હતું કે, નવરાત્રિના પ્રારંભ પૂર્વે યોજાનાર આ કાર્યક્રમને ‘ગૌ નવરાત્રિ’ તરીકે ઉજવવામાં આવશે. કાર્યક્રમમાં સાધુ-સંતો અને મહંતોની ઉપસ્થિતિ રહેશે, જેના કારણે ધાર્મિક વાતાવરણ સર્જાવાની સાથે ગૌસેવાનો સંદેશ પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે. આયોજકો દ્વારા સનાતન સમાજના લોકોને મોટી સંખ્યામાં જોડાવા તેમજ ગૌસેવામાં યથાશક્તિ યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે.

ગૌસેવા માટે વધુમાં વધુ સહયોગ એકત્રિત થઈ શકે તે હેતુથી આયોજકોએ ‘ગૌ પાસ’ મેળવવા માટે પણ સૌને અનુરોધ કર્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગૌમાતાની સેવા અને સંરક્ષણ માટે જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે. ધાર્મિક ઉત્સવને માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રાખી તેને સેવાકાર્ય સાથે સાંકળવાનો પ્રયાસ આ આયોજનમાં જોવા મળી રહ્યો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ દાતાઓ અને સહયોગીઓનો સાથ મળી રહ્યો છે. પ્રિશા ડેવલોપર્સના ચેતનભાઈ ઠક્કર ઉપરાંત દેવજીભાઈ ગજરા, હિંમતભાઈ સોની, ભરતભાઈ સોની અને જયેશભાઈ સોની સહિતના સહયોગીઓ દ્વારા આયોજનમાં સહભાગિતા આપવામાં આવી રહી છે.

કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. આયોજનની વ્યવસ્થા અને સેવાકાર્ય માટે ધ્રુવ જોશી, મયૂર અબોટી, રાજ રાજગોર, હર્ષ સોની, મયૂર ચૌહાણ, નિક્ષિત સોની, શેરીન સોની, જૈમિન અબોટી, દીક્ષિત ચૌહાણ, કૈલાસ આથા, દિગ્વિજયસિંહ ચૌહાણ અને વિવેક પલણ સહિતના કાર્યકરો સેવાઓ આપી રહ્યા છે.

નખત્રાણામાં યોજાનાર આ ગૌ નવરાત્રિ મહોત્સવ દ્વારા નવરાત્રિના પર્વમાં ભક્તિ સાથે ગૌસેવા અને સામાજિક સહભાગિતાનો સંદેશ પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande