
- કિસાન મેળાનું ભવ્ય આયોજન આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન કરાશે : કૃષિ વૈજ્ઞાનિકો અને ગુજરાત સહિત અન્ય રાજ્યના ખેડૂતો પણ જોડાશે.
જૂનાગઢ, 01 ઓક્ટોબર (હિ.સ.) : ICAR-ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ (IIGR), જૂનાગઢ દ્વારા સંસ્થાનો ૪૮મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. આ અવસરે ખાસ ખેડૂતોના કલ્યાણને સમર્પિત કિસાન મેળાનું કરવામાં આવ્યું છે.
સંસ્થાના કેમ્પસ ખાતે જ યોજાનાર કિસાન મેળામાં સૌરાષ્ટ્ર, ગુજરાતના વિવિધ વિસ્તારો તેમજ પડોશી રાજ્યોમાંથી સંભવિત રીતે ૩૦૦ જેટલા ખેડૂતો સહિત ૫૦૦થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહેનાર છે. ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક કૃષિ તકનીકોની માહિતી મળી રહે તે મેળાનો મુખ્ય ઉદ્દેશ છે.
મેળા દરમિયાન ખેડૂતો અને વૈજ્ઞાનિકો વચ્ચે સીધો સંવાદ પણ સ્થાપિત થશે. પ્રશ્નોત્તરી, ટેકનોલોજી નિદર્શન, ચર્ચા, સેમિનાર જેવી પ્રવૃત્તિઓ દ્વારા ખેડૂતોને મગફળીની ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ કિસાન મેળાનો હેતુ પાકની ઉત્પાદકતા અને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે.
અદ્યતન કૃષિ ટેકનોલોજીનું પ્રદર્શન અને વેચાણ, બીજ, ખાતર, કૃષિ સાધનો સહિત સ્વસહાય જૂથો અને એફપીઓના ઉત્પાદનોનું પણ પ્રદર્શન કિસાન મેળાનું મુખ્ય આકર્ષણ બની રહેશે.
અગ્રણી રાષ્ટ્રીય કંપનીઓ, બીજ ઉત્પાદક કંપનીઓ, ખાતર ઉત્પાદકો તેમજ કૃષિ મશીનરી ક્ષેત્રની કંપનીઓ દ્વારા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવશે. આ સ્ટોલમાં અદ્યતન ટ્રેક્ટર, કૃષિ ઓજારો અને અન્ય આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન કરવામાં આવશે.
કિસાન મેળો ખાસ કરીને મગફળીના ખેડૂતો માટે આધુનિક કૃષિ તકનીકો જાણવા, ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાવા, ઉત્પાદનો અને ટેકનોલોજી અંગે માહિતી મેળવવા તેમજ ખેતીની આવક વધારવા સહિતના મુદ્દે ઉપયોગી બનશે.
આ પ્રસંગે વિશિષ્ટ મહેમાન તરીકે વિશ્વ ભારતી યુનિવર્સિટી, કોલકાતાના કુલપતિ ડૉ. પી. કે. ઘોષ ઉપસ્થિત રહેશે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી. પી. ચોવટિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે. અતિથિ વિશેષ તરીકે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, ICARના ઓઈલસીડ્સ એન્ડ પલ્સિસના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ડૉ. એસ. કે. ઝા, ICARના સીડ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ડૉ. પી. આર. ચૌધરી તેમજ ICAR-IIGRના ડાયરેક્ટર ડૉ. એસ. કે. બેરા ઉપસ્થિત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ