રાપરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે નગરપાલિકાની લાલ આંખ! વેપારીઓ પાસેથી ₹60 હજારનો દંડ વસૂલાયો
265 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત, દેના બેંક ચોકથી માળી ચોક સુધી વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરી નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કચ્છ, 13 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા મા
પ્રતિબંધિત પ્લાસ્ટીક સામે કાર્યવાહી


265 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત, દેના બેંક ચોકથી માળી ચોક સુધી વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરી નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી

કચ્છ, 13 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને રોકવા માટે શરૂ કરવામાં આવેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત નગરપાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરી 265 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સહિત સંબંધિત લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. નગરપાલિકાની આ કામગીરીથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓમાં તંત્રની કાર્યવાહીનો સંદેશ પહોંચ્યો છે.

જિલ્લા કલેક્ટર અનિલ રાણવાસિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની દેખરેખમાં છેલ્લા એક મહિનાથી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે અગાઉ સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં નિયમોનું પાલન ન કરતા વેપારીઓ, ફેરિયાઓ અને શાકભાજી વેચતા વિક્રેતાઓ સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઝુંબેશના ભાગરૂપે નગરપાલિકાની ટીમે દેના બેંક ચોક, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, માંડવી ચોક અને માળી ચોક સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું સામે આવતાં કાર્યવાહી કરવામાં આવી હતી. ટીમ દ્વારા વિવિધ સ્થળોએથી પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં નગરપાલિકાના એન્જિનિયર આશિષભાઈ, એએસઆઈ હસમુખજી ઠાકોર સહિત નગરપાલિકાના કર્મચારીઓ અને સંબંધિત સ્ટાફે ભાગ લીધો હતો. ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરમાં સ્વચ્છતા જાળવવાની સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ પર નિયંત્રણ લાવવાનો છે.

નગરપાલિકાના જણાવ્યા અનુસાર, છેલ્લા એક સપ્તાહ દરમિયાન સ્વચ્છતા અંગેની બેદરકારી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સંબંધિત કાર્યવાહી હેઠળ અંદાજે રૂ. 60 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વેપારીઓને નિયમોનું પાલન કરવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરવામાં આવી રહી છે.

શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર નગરપાલિકાની જ નહીં, પરંતુ નાગરિકો અને વેપારીઓની પણ છે. જો વેપારીઓ પ્લાસ્ટિકના વિકલ્પો અપનાવે અને નાગરિકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત બને, તો રાપરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવાની ઝુંબેશને વધુ વેગ મળી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande