મિશન મંગલમના સહારે આત્મનિર્ભર બન્યાં અંજના વસાવા, પ્રાકૃતિક ખેતી થકી 10 બહેનોને આપી પ્રેરણા
પરંપરાગત ખેતીથી સ્વદેશી ઉત્પાદનોના વેચાણ સુધીની અંજનાબેન વસાવાની પ્રેરણાદાયી સફર - લાલ ચોખા, દેશી જુવાર, દેવલી કોલમ ડાંગર, નાગલી અને દેશી મગફળી જેવા સ્વદેશી પાકના ઉત્પાદન થકી મેળવી આગવી ઓળખ - સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ અને સુરત ખાતે સ્વદેશી મે
Anjana Vasava became self-reliant with the help of Mission Mangalam, inspired 10 sisters through natural farming


Anjana Vasava became self-reliant with the help of Mission Mangalam, inspired 10 sisters through natural farming


- પરંપરાગત ખેતીથી સ્વદેશી ઉત્પાદનોના વેચાણ સુધીની અંજનાબેન વસાવાની પ્રેરણાદાયી સફર

- લાલ ચોખા, દેશી જુવાર, દેવલી કોલમ ડાંગર, નાગલી અને દેશી મગફળી જેવા સ્વદેશી પાકના ઉત્પાદન થકી મેળવી આગવી ઓળખ

- સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ અને સુરત ખાતે સ્વદેશી મેળા તથા કાઇટ ફેસ્ટિવલમાં સ્ટોલ દ્વારા સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરી આવકમાં કર્યો વધારો

- આત્મા પ્રોજેક્ટ હેઠળ 12 ગામોમાં પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપી અન્ય ખેડૂતો અને મહિલાઓને કરી રહ્યાં છે પ્રોત્સાહિત

રાજપીપલા,13 ઓકટોબર (હિ.સ.) નર્મદા જિલ્લાના ચીકદા તાલુકાના પાટડી ગામનાં અંજના ફતેસીંગભાઈ વસાવાએ પરંપરાગત ખેતી, પ્રાકૃતિક ખેતી અને સ્વદેશી ઉત્પાદનોના વેચાણ દ્વારા આત્મનિર્ભર બની મહિલાઓને પણ આર્થિક રીતે સશક્ત બનવાની પ્રેરણા પુરી પાડી છે.

અંજનાબેન પ્રગતિ સ્વસહાય જૂથ સાથે જોડાયેલાં છે. સ્વસહાય જૂથના માધ્યમથી તેમને 2.5 લાખનું ધિરાણ મળ્યું હતું, જેના સહયોગથી તેઓ પોતાની આર્થિક પ્રવૃત્તિઓને વધુ વેગ આપી શક્યાં છે. આજે તેમની સાથે અન્ય 10 બહેનો પણ જોડાઈને આર્થિક સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે. આમ, અંજનાબેનની સફળતા વ્યક્તિગત પ્રગતિ પૂરતી સીમિત ન રહેતાં અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.

અંજનાબેન પરંપરાગત ખેતી પદ્ધતિને પ્રાધાન્ય આપીને મોર, લાલ ચોખા, દેશી જુવાર, દેવલી કોલમ જાતના ડાંગર, નાગલી અને દેશી મગફળી જેવા સ્વદેશી પાકનું ઉત્પાદન કરે છે. આ પાકનાં બિયારણ તેમને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), દેડિયાપાડા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં. તેઓ પ્રાકૃતિક ખેતીમાં નીમાસ્ત્ર, બીજામૃત સહિતની પદ્ધતિઓનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા જાળવવા અને પરિવારને ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવા પ્રયત્નશીલ છે.

પ્રાકૃતિક ખેતી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાએ ખેતીને માત્ર જીવનનિર્વાહનું સાધન નહીં: પરંતુ આવક અને સ્વાવલંબનનો મજબૂત આધાર બનાવ્યો છે. તેઓ પરંપરાગત સ્વદેશી પાકના જતન સાથે તેના મૂલ્યવર્ધન અને બજાર સુધી પહોંચ વધારવા માટે પણ સતત પ્રયત્નશીલ છે.

અંજનાબેનની મહેનતને કારણે આજે સ્વદેશી પાક પરિવારની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત આવકનું સાધન પણ બન્યા છે. મિશન મંગલમના સહયોગથી તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ અને સુરત ખાતે યોજાતા સ્વદેશી મેળા તથા કાઇટ ફેસ્ટિવલ જેવા કાર્યક્રમોમાં વિનામૂલ્યે સ્ટોલની સુવિધા મળે છે. આ માધ્યમથી તેઓ પોતાના સ્વદેશી ઉત્પાદનોનું સીધું વેચાણ કરીને આવક મેળવી રહ્યાં છે.

અંજનાબેનના જણાવ્યા અનુસાર, તેમના લાલ ચોખાની ખાસ માગ રહે છે. તેઓ પ્રતિ કિલો રૂ. 150 ના ભાવે લાલ ચોખાનું વેચાણ કરે છે. ગ્રાહકોની માગ અનુસાર તેઓ ઓર્ડર મેળવી પાર્સલ દ્વારા પણ ઉત્પાદનો પહોંચાડે છે. આ રીતે સ્થાનિક સ્તરે ઉત્પાદિત સ્વદેશી અનાજને વ્યાપક બજાર મળી રહ્યું છે અને ગ્રામ્ય મહિલાઓ માટે આવકની નવી તકો ઊભી થઈ રહી છે.

અંજનાબેન માત્ર ખેતી અને વેચાણ પૂરતાં સીમિત રહ્યાં નથી. તેઓ આત્મા પ્રોજેક્ટ હેઠળ ક્લસ્ટર રિસોર્સ પર્સન (CRP) તરીકે 12 ગામોમાં કાર્યરત છે. આ કામગીરી દરમિયાન તેઓ અન્ય મહિલાઓ અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને માર્ગદર્શન આપે છે. પોતાના અનુભવના આધારે તેઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓથી માહિતગાર કરી વધુમાં વધુ લોકો આ ખેતી પદ્ધતિ અપનાવે તે માટે પ્રોત્સાહિત કરે છે.

વધુમાં, નર્મદા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના પ્રયાસોથી ચીકદા તાલુકામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર પણ કાર્યરત છે. આ કેન્દ્રનું સંચાલન અંજનાબેન પોતે કરે છે. કેન્દ્રના માધ્યમથી લોકોને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત અનાજ અને શાકભાજી ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવે છે. આમ, તેઓ ઉત્પાદનથી માંડીને વેચાણ અને અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપવા સુધીની કામગીરીમાં સક્રિય યોગદાન આપી રહ્યાં છે.

અંજનાબેન પોતાની સફળતા માટે સરકારશ્રીની યોજનાઓ અને મળેલા સહયોગ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. મિશન મંગલમ દ્વારા સ્વસહાય જૂથના માધ્યમથી મળેલું ધિરાણ, સ્વદેશી મેળાઓમાં સ્ટોલની સુવિધા અને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે મળતું માર્ગદર્શન તેમની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ સાબિત થયાં છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande