
અમદાવાદ,13 ઓકટોબર (હિ.સ.) હાલમાં રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત 18 ઓક્ટોબરે આઠમના પર્વને દિવસે સોંપાયેલી ચૂંટણીલક્ષી કામગીરીની તારીખમાં ફેરફાર કરવા અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર પાઠવીને માગ કરાઈ છે.
મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત 2 હજારથી વધુ શિક્ષકોને બુથ લેવલ ઓફિસર સહિતની વિવિધ ફરજો સોંપાઈ છે, પરંતુ આઠમના પાવન દિવસે કામગીરી હોવાથી શિક્ષકોમાં અસંતોષ વ્યાપ્યો છે.
મહાનગરપાલિકા શાળા બોર્ડના શિક્ષકોને મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હેઠળ વિવિધ તારીખોએ મતદાન મથકો ખુલ્લા રાખી ચૂંટણી ફરજ બજાવવાના આદેશો અપાયા છે. આગામી 18 ઓક્ટોબરના રોજ પણ શિક્ષકોને ફરજ પર હાજર રહેવા જણાવાયું છે. પત્રમાં જણાવાયા મુજબ, 18 ઓક્ટોબરે આઠમનો તહેવાર હોવાથી શિક્ષકો અને તેમના પરિવારજનો માટે ધાર્મિક અને સામાજિક દ્રષ્ટિએ આ દિવસનું વિશેષ મહત્વ રહેલું છે.
તહેવારના દિવસે જ ચૂંટણી કામગીરી સોંપવામાં આવતાં શિક્ષક મંડળે સખત વાંધો ઉઠાવ્યો છે. 2 હજારથી વધુ શિક્ષકો અને તેમના પરિવારો તહેવારની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી શકે તે માટે શિક્ષક મંડળે કલેક્ટર અને ચૂંટણી અધિકારીને પત્ર લખીને શિક્ષકોની લાગણીઓને ધ્યાનમાં રાખી ચૂંટણી કામગીરીની તારીખમાં યોગ્ય ફેરફાર કરવા આગ્રહભરી રજૂઆત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ