
-પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસની કાર્યવાહી; ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી સુધી પહોંચી પોલીસ
કચ્છ, 13 ઓક્ટોબર (હિ.સ.) પૂર્વ કચ્છમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ‘મિશન ફ્યુજિટિવ’ ઝુંબેશ અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ.265 કરોડના મ્યુલ એકાઉન્ટ સંબંધિત ગુનામાં નાસતો ફરતો આરોપી પોલીસના હાથે ઝડપાયો છે. પકડાયેલા આરોપીની ઓળખ રાપર તાલુકાના સણવા ગામના રહેવાસી હાર્દિક ઉર્ફે લાલો હરેશભાઈ રાજગોર તરીકે થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ વિવિધ ગુનાઓની તપાસમાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ પણ ગુનામાં સંડોવાયેલા અને પોલીસની પકડથી દૂર રહેલા આરોપીઓને ઝડપી પાડવા માટે સતત પ્રયાસ કરી રહી હતી.
આ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપી અંગે જરૂરી માહિતી એકત્રિત કરી હતી. માહિતીના આધારે તપાસને આગળ ધપાવતાં પોલીસે હાર્દિક ઉર્ફે લાલો હરેશભાઈ રાજગોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
આ કેસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુના તરીકે નોંધાયેલો છે. આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 316(2), 316(5), 318(4), 340(2), 61(2), 3(5) અને 238 ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમની કલમ 66(C) તથા 66(D) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરની આગેવાની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.બી. કોવાડિયા સહિત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફે ભાગ લીધો હતો.
‘મિશન ફ્યુજિટિવ’ અંતર્ગત કરવામાં આવેલી આ કાર્યવાહીથી પૂર્વ કચ્છ પોલીસની ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની કામગીરીને વધુ વેગ મળ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar