
નવી દિલ્હી, 15 ઓક્ટોબર (હિ.સ.). ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ભારત રત્ન ડો. એ.પી.જે. અબ્દુલ કલામની જયંતિ પર, ગુરુવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને વિપક્ષી નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. નેતાઓએ વિજ્ઞાન, રક્ષા અને અવકાશ સંશોધનના ક્ષેત્રમાં તેમના યોગદાનને યાદ કરતા કહ્યું કે તેમનું જીવન, વિચારો અને રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ આવનારી પેઢીઓને પ્રેરિત કરતા રહેશે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સોશિયલ મીડિયા મંચ ‘એક્સ’ પર ડો. કલામને યાદ કરતા કહ્યું કે, વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમની અસાધારણ સિદ્ધિઓ, રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ, સાદગીપૂર્ણ જીવન અને યુવાનોમાં અતૂટ વિશ્વાસને કારણે તેમને દેશવાસીઓના હૃદયમાં વિશેષ સ્થાન મળ્યું. તેમણે કહ્યું કે, ડો. કલામ એવા વિરલ રાષ્ટ્રનિર્માતાઓમાંના એક હતા, જેમણે પ્રયોગશાળાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી પોતાનું જીવન દેશની પ્રગતિ અને જનકલ્યાણ માટે સમર્પિત કર્યું.
બિરલાએ કહ્યું કે, ડો. કલામનું જીવન એ વાતનો પુરાવો છે કે પરિસ્થિતિઓ કોઈ વ્યક્તિના સપનાની સીમા નક્કી કરતી નથી. દ્રઢ ઈચ્છાશક્તિ, નિરંતર પરિશ્રમ અને શીખવાની ધગશથી નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે, અવકાશ અને મિસાઈલ કાર્યક્રમોમાં ડો. કલામનું યોગદાન ઐતિહાસિક રહ્યું. તેમના મતે, શિક્ષણનો ઉદ્દેશ્ય ફક્ત ડિગ્રી કે રોજગાર મેળવવાનો નથી, પરંતુ વૈજ્ઞાનિક વિચાર, રચનાત્મકતા, નૈતિક મૂલ્યો અને સમસ્યાઓના સમાધાનની ક્ષમતા વિકસાવવાનો પણ છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, રક્ષા ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાને મજબૂત કરવામાં ડો. કલામનું યોગદાન અવિસ્મરણીય છે. વિકસિત ભારતનું તેમનું દ્રષ્ટિકોણ અને યુવાનોમાં વૈજ્ઞાનિક વિચાર, આત્મવિશ્વાસ તથા રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ જગાડવાનો પ્રયાસ હંમેશા પ્રેરણા આપતો રહેશે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા પછી પણ ડો. કલામની સાદગી અને સહજતા જળવાઈ રહી. બાળકો અને યુવાનો વચ્ચે રહેવું, તેમની સાથે સંવાદ કરવો અને તેમને પ્રોત્સાહિત કરવા એ તેમના વ્યક્તિત્વની એવી વિશેષતાઓ હતી, જેમણે તેમને લોકોના હૃદયમાં ખાસ સ્થાન અપાવ્યું. તેમના વિચારો, આદર્શો અને રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ આવનારી પેઢીઓને પ્રેરિત કરતા રહેશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ડો. કલામને યાદ કરતા કહ્યું કે, તેમણે પોતાની અસાધારણ વૈજ્ઞાનિક પ્રતિભાને ભારતને એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક શક્તિ બનાવવા માટે સમર્પિત કરી દીધી. તેમણે કહ્યું કે, ભારતના રાષ્ટ્રપતિ તરીકે ડો. કલામે સર્વોચ્ચ લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખ્યા. ‘ભારતના મિસાઈલ મેન’ તરીકે ઓળખાતા ડો. કલામ યુવાનોને રાષ્ટ્રસેવા માટે પ્રેરિત કરનારા આદર્શ બની રહેશે.
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ડો. કલામ જ્ઞાન અને કર્મઠતાના પ્રતીક હતા. ભારતને સામર્થ્યશાળી બનાવવા માટે તેમણે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. તેમના વિચારો આવનારી પેઢીઓને સતત પ્રેરિત કરતા રહેશે.
કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, રક્ષા અને અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાની સાથે-સાથે દેશને પરમાણુ શક્તિ સંપન્ન બનાવવામાં ડો. કલામનું યોગદાન અભૂતપૂર્વ રહ્યું. તેમણે કહ્યું કે ડો. કલામના અમૂલ્ય વિચારો અને આદર્શ જીવન યુવાનોનું માર્ગદર્શન કરતા રહેશે તથા તેમને રાષ્ટ્ર નિર્માણ અને વિકસિત ભારતના સંકલ્પ માટે પ્રેરિત કરશે.
કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે ડો. કલામને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, દેશના વિકાસ અને યુવાનોના ઉત્થાનમાં તેમનું અમૂલ્ય યોગદાન હંમેશા સૌના માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ડો. કલામને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે કહ્યું કે, ‘ભારતના મિસાઈલ મેન’ તરીકે યાદ કરાતા ડો. કલામનું વિજ્ઞાન, તકનીક અને રાષ્ટ્ર નિર્માણમાં અભૂતપૂર્વ યોગદાન આજે પણ પેઢીઓને મોટા સપના જોવા, ઉત્કૃષ્ટતાની દિશામાં આગળ વધવા અને પૂરી લગનથી દેશની સેવા કરવા માટે પ્રેરિત કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ