
રાજકોટ, 15 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના આજી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં તા.14 ઓક્ટોબર બુધવારની રાત્રે 'તન્વિ એક્ષપોર્ટ ઇન્ડીયા લીમીટેડ' પેઢી પાસે ચાર અજાણ્યા સશસ્ત્ર લૂંટારુઓએ ફાયરિંગ કરી રૂ.1.53 કરોડના સોના-ચાંદીની સરેઆમ લૂંટ ચલાવી હતી. લૂંટનો પ્રતિકાર કરતા ગંભીર રીતે ઘવાયેલા વેપારી લાલજીભાઈ સરધારાનું હોસ્પિટલમાં મોત નિપજતા સમગ્ર બનાવ લૂંટ વિથ મર્ડરમાં ફેરવાયો છે. આ ઘટનાથી વેપારી આલમમાં ઘેરો શોક અને ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટ શહેરના આજી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ગત રાત્રિના સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોના-ચાંદીની જાણીતી મેન્યુફેક્ચરીંગ પેઢી 'તન્વિ એક્ષપોર્ટ ઇન્ડીયા લીમીટેડ'ના કારખાના અને રીફાઇનરી પાસે ચાર અજાણ્યા સશસ્ત્ર બદમાશોએ આતંક મચાવ્યો હતો. લૂંટારુઓએ ધોળા દિવસે ન હોય તેમ રાત્રિના સમયે કંપનીના કર્મચારીઓ પર બેફામ ફાયરિંગ કરી કરોડો રૂપિયાની મત્તાની સરેઆમ લૂંટ ચલાવીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
ઘટનાની વિગતો મુજબ, સહકાર મેઇન રોડ પર રહેતા અને પેઢીના ભાગીદાર બિપિનભાઈ ગોરધનભાઈ વીરડીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત ૧૪ ઓક્ટોબરના સાંજે સવા સાત વાગ્યાના અરસામાં રિફાઇનરીના વર્કર બાબુભાઈ કાકડીયાએ જાણ કરી હતી કે રિફાઇન થયેલો માલ તૈયાર છે. આથી ૯૪૬ ગ્રામ સોનાના ઢાળીયા (કિંમત ₹૧,૪૮,૯૦,૦૦૦) અને ૨ કિલો ચાંદીનો ડસ્ટ પાવડર (કિંમત ₹૪,૩૦,૦૦૦) મળી કુલ ₹૧.૫૩ કરોડનો માલ લેવા માટે સિક્યુરીટી ગાર્ડ બાવનજી પઢીયાર અને ભાગીદારના ભત્રીજા લાલજીભાઈ સરધારાને એક્ટિવા પર મોકલવામાં આવ્યા હતા.
લાલજીભાઈ સરધારા કિંમતી સોના-ચાંદીનો માલ થેલામાં ભરીને રીફાઇનરીના મેઇન ગેઇટની બહાર નીકળ્યા કે તુરંત જ પૂર્વઆયોજિત કાવતરું રચીને ટાંપીને બેઠેલા બે અજાણ્યા બદમાશોએ તેમને રસ્તામાં આંતર્યા હતા. લૂંટારુઓએ લાલજીભાઈના હાથમાંથી થેલો છીનવવાનો પ્રયાસ કરતા જ બંને વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી. આ દ્રશ્ય જોઈને સિક્યુરીટી ગાર્ડ બાવનજી પઢીયાર પણ લાલજીભાઈના બચાવમાં તાત્કાલિક દોડી ગયા હતા અને બદમાશોનો પ્રતિકાર કર્યો હતો.
ઝપાઝપી દરમિયાન સફેદ શર્ટ પહેરેલા એક અજાણ્યા લૂંટારુએ પોતાની પાસે રહેલું ઘાતક હથિયાર કાઢીને લાલજીભાઈ પર સીધું ફાયરિંગ કરી દીધું હતું. ગોળી વાગતાની સાથે જ લાલજીભાઈ લોહીલુહાણ હાલતમાં રોડ પર ઢળી પડ્યા હતા અને ગુનેગારો તેમના હાથમાંથી કરોડોની કિંમતનો થેલો આંચકી લીધો હતો. ત્યારબાદ બંને લૂંટારુઓ બહાર અગાઉથી તૈયાર ઉભેલી મરૂન કલરની ટાટા ટીગોર કારમાં બેસીને કાળઝાળ ઝડપે અંધારામાં ફરાર થઈ ગયા હતા, જેમાં ડ્રાઇવર સહિત અન્ય બે શખ્સો પણ સામેલ હતા.
બનાવની જાણ થતાં જ પેઢીના અન્ય ભાગીદારો રાજભાઈ ભાલારા, મયુરભાઈ અને અનિલભાઈ સહિતના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા લાલજીભાઈને તાત્કાલિક રાજકોટની મધુરમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇમરજન્સી રૂમમાં ડોક્ટરોએ તેમને બચાવવાના ભગીરથ પ્રયાસો કર્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ સનસનાટીભર્યા લૂંટ વિથ મર્ડરના ગુનાને પગલે રાજકોટ પોલીસ તંત્ર તાત્કાલિક દોડતું થઈ ગયું છે. પોલીસ દ્વારા ચાર અજાણ્યા કાર સવાર લૂંટારુઓ સામે ગુનો નોંધીને આજી જી.આઈ.ડી.સી. તથા શહેરના તમામ નાકાબંધી અને એક્ઝિટ પોઈન્ટ્સના સીસીટીવી ફૂટેજ ફંગોળવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ લૂંટમાં કોઈ સચોટ માહિતી ધરાવતા 'જાણભેદુ'નો હાથ હોવાની પણ પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt