જામનગરમાં વિજયાદશમી નિમિત્તે રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં શસ્ત્રપૂજન સંપન્ન
જામનગર, 20 ઓક્ટોબર (હિ.સ.) વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે જામનગરમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શૌર્ય અને સાહસના પ્રતીક સમાન પરંપરાગત શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ભવ્ય મહોત્સવમાં રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા તેમજ પૂર્વ મંત્રી
મંત્રી રિવાબા જાડેજા દ્વારા શસ્ત્રપૂજન


જામનગર, 20 ઓક્ટોબર (હિ.સ.) વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે જામનગરમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શૌર્ય અને સાહસના પ્રતીક સમાન પરંપરાગત શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ભવ્ય મહોત્સવમાં રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા તેમજ પૂર્વ મંત્રી હકુભા જાડેજા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહી ધર્મ અને સંસ્કૃતિના જતનનો સંદેશો પાઠવ્યો હતો.

રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ આ પ્રસંગે સમગ્ર ક્ષત્રિય સમાજ અને નગરજનોને વિજયાદશમી પર્વની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે આસો નવરાત્રિના પવિત્ર નવ દિવસો બાદ ઉજવાતો દશહેરાનો આ મહાપર્વ અસત્ય પર સત્યના અને અધર્મ પર ધર્મના વિજયનું જીવંત પ્રતીક છે. પ્રભુ શ્રી રામચંદ્રજી અને જગતજનની મા આશાપુરાના ચરણોમાં શીશ નમાવી તેમણે સૌ નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી.

વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે સમાજની એકતા અને અખંડિતતા જાળવી રાખવાની સાથે આજની યુવા પેઢીને સમાજ ઉત્થાન તેમજ રાષ્ટ્ર ઉત્થાનના સાચા માર્ગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે જ આજના આ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય છે. યુવાનોમાં દેશભક્તિની ભાવના પ્રબળ બને તે સમયની તાતી જરૂરિયાત છે અને આવા સાંસ્કૃતિક કાર્યક્રમો યુવા પેઢીને સાચા રસ્તે દોરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

વર્ષોથી ચાલી આવતી આપણી આ ગૌરવશાળી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી દર વર્ષે આવા મહોત્સવોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ રાજકીય અને સામાજિક નેતાઓએ આપણા સમૃદ્ધ ઇતિહાસને યાદ કરીને પેઢી દર પેઢી આ પરંપરાઓનું ઉત્સાહપૂર્વક જતન કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

સમગ્ર આયોજન અત્યંત પવિત્ર અને દિવ્ય ધાર્મિક વાતાવરણમાં ઉત્સાહપૂર્વક સંપન્ન થયું હતું. આ વિજયાદશમી મહોત્સવના માધ્યમથી સમાજમાં પરસ્પર એકતા, મજબૂત સંગઠન અને ભાઈચારાનો અદભુત સંદેશ આપવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ આપણા સાંસ્કૃતિક મૂલ્યોને સદાય આગળ ધપાવવાનો સંકલ્પ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande