
પાટણ, 21 ઓક્ટોબર (હિ.સ.) પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઊંટવાડા ગામમાં ગઈકાલે આશરે 40થી 45 વર્ષના એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક વિસ્તારમાં ચર્ચાઓ શરૂ થઈ હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ ખોડાણા ગામના રહેવાસી તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે, વ્યક્તિનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી.
ઘટનાસ્થળેથી આશરે 100થી 200 મીટરના અંતરે દેશી દારૂનો એક અડ્ડો પણ જોવા મળ્યો હતો. આ અડ્ડા પર તપાસ દરમિયાન દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો વોશ ભરેલા 6 બેરલ મળી આવ્યા હતા. મૃતદેહ અને દેશી દારૂના અડ્ડા વચ્ચેનું અંતર તેમજ સ્થળ પર મળેલી વસ્તુઓને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. જોકે, મૃતકના મૃત્યુ અને દારૂના અડ્ડા વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઘટનાની જાણ થતાં વાગડોદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વ્યક્તિના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળી શકે છે. પોલીસ દ્વારા તપાસના આધારે વધુ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ આ સમગ્ર ઘટનામાં વધુ હકીકતો સામે આવે તેવી શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ