

પોરબંદર , 22 ઓક્ટોબર (હિ.સ.)રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગરની પ્રેરણા તથા સ્પોર્ટ્સ
ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યભરમાં યોજાઈ રહેલા ખેલ મહાકુંભ–2026 અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકાના
માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા મહાનગરપાલિકા કક્ષાની વોલીબોલ
સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના ખીજડી પ્લોટ વિસ્તારમાં આવેલી
જે.વી. ગોઢાણિયા ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં કુલ 23 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર તથા ખેલ મહાકુંભ અમલીકરણ સમિતિના અધ્યક્ષ ટી.સી.
તીરથાણી, જિલ્લા
રમત વિકાસ અધિકારી મનીષકુમાર જીલડીયા, જિલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવિણા
પાંડાવદરા તથા જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમારના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધાનું
આયોજન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભનો મુખ્ય હેતુ રમતગમત પ્રત્યે જાગૃતિ વધારવા, યુવા ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા
તથા નાગરિકોમાં તંદુરસ્ત જીવનશૈલી પ્રત્યે રસ કેળવવાનો છે. આ પ્રકારની સ્પર્ધાઓના
માધ્યમથી ખેલાડીઓને પોતાની રમતગમતની ક્ષમતા અને પ્રતિભા દર્શાવવા માટે યોગ્ય મંચ
મળે છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રમતગમત ક્ષેત્રે નવી પ્રતિભાઓને આગળ લાવવા
અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી
રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya