
મુંબઈ, નવી દિલ્હી, 22 ઓક્ટોબર (હિ.સ.). અભિનેત્રી રશ્મિકા મંદાના, પોતાના દક્ષિણ ભારતીય લહેકાને લઈને થતી ઓનલાઈન ટ્રોલિંગથી પરેશાન થવાને બદલે પોતાની ભાષાઈ ઓળખ પર ગર્વ અનુભવે છે. તાજેતરમાં 'કોફી વિથ કરણ'ની નવમી સીઝનમાં તેમણે આ મુદ્દે ખુલીને વાત કરી.
રશ્મિકાએ જણાવ્યું કે, ફિલ્મી કારકિર્દીની શરૂઆતથી જ તેમને ક્યારેક અભિનય, ક્યારેક પ્રદર્શન અને ક્યારેક ભાષાને લઈને ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. જોકે, આ વાતોએ તેમને પોતાના કામ અને પસંદગીને મર્યાદિત કરવા માટે મજબૂર કર્યા નથી.
રશ્મિકાએ કહ્યું કે, તેઓ કોઈ એક ફિલ્મ ઉદ્યોગ સુધી સીમિત રહેવા માંગતા ન હતા. તેમની ઈચ્છા અલગ-અલગ ભાષાઓમાં કામ કરવાની અને તેમને શીખવાની રહી છે. અભિનેત્રીના મતે, જ્યારથી તેમણે ફિલ્મ ઉદ્યોગમાં પગ મૂક્યો છે, ત્યારથી કોઈને કોઈ વાત પર તેમને મહેણાં-ટોણાં સાંભળવા પડ્યા છે. આવા સંજોગોમાં તેમણે નક્કી કર્યું કે, તેઓ બીજાની ટિપ્પણીઓના આધારે પોતાના માટે સીમાઓ નક્કી નહીં કરે. તેઓ અલગ-અલગ ભાષાઓમાં કામ કરવાની તકોને અપનાવવા માંગે છે અને પોતાની ઓળખને લઈને સહજ છે.
અભિનેત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, ઇન્ટરનેટ પર થતી નકારાત્મક ટિપ્પણીઓ તેમના કારકિર્દીના નિર્ણયોને પ્રભાવિત કરતી નથી. તેમના માટે વિવિધ ભાષાઓ અને ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવું શીખવા અને આગળ વધવાની તક છે. રશ્મિકાનું માનવું છે કે, કલાકાર તરીકે પોતાને એક દાયરામાં બાંધવાને બદલે નવા અનુભવોને અપનાવવા જરૂરી છે. દક્ષિણ ભારતીય લહેકાને લઈને થતી ટ્રોલિંગ વચ્ચે તેમનો આ અભિગમ પોતાના મૂળ પર ગર્વ કરવા અને ટીકાઓથી આગળ વધવાનો સંદેશ આપે છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ