
જામનગર, 23 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લામાં વ્યાજખોરી, ખંડણી, છેતરપિંડી અને સાટાખત-બાનાખતના આધારે જમીનો પચાવી પાડવાના ગંભીર પ્રકરણોમાં રાજકોટ રેન્જ પોલીસ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવી છે. આ કૌભાંડમાં મુખ્ય આરોપી અલ્પેશ ગોપાલભાઈ દોંગા અને તેની ટોળકી સામે નોંધાયેલા તમામ ગુનાઓ તેમજ મળતી અરજીઓની નિષ્પક્ષ, સમયમર્યાદામાં અને અસરકારક તપાસ કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
આરોપી અલ્પેશ દોંગા અને તેના સાગરીતો દ્વારા ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોને વ્યાજખોરીના ચક્રવ્યૂહમાં ફસાવીને તેમની પાસે ખંડણી માંગવી, છેતરપિંડી આચરવી અને જમીનો હડપ કરવી જેવા કૃત્યો આચરવામાં આવ્યા છે. આ અંગે રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય અને જામનગર જિલ્લામાં વિવિધ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અગાઉ રાજકોટ જિલ્લામાં નોંધાયેલા કેસો માટે એસપી દ્વારા સીટ બનાવાઈ હતી, જ્યારે હવે જામનગર માટે બીજી સીટની રચના થઈ છે. અત્રે નોંધનીય છે કે, થોડા સમય પહેલાં જ પોલીસે આ ટોળકી દ્વારા પચાવી પાડવામાં આવેલી ૧૦૦ કરોડથી વધુ રકમની જમીનો તેના મૂળ માલિકોને પરત અપાવી હતી.
નવી રચાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)માં અધ્યક્ષ તરીકે લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક (એએસપી) પ્રતિભા રહેશે, જ્યારે મદદમાં જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી) જે.એન. ઝાલાને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ટીમમાં એલ.સી.બી. જામનગરના પો.ઇન્સ. વી.બી. ચૌધરી, કાલાવડ ગ્રામ્યના પો.ઇન્સ. એન.વી. આંબલીયા, પંચ બી. ડિવિઝનના પો.ઇન્સ. વી.જે. રાઠોડ અને રાજકોટ વિભાગના પો.સ.ઇ. એસ.પી. ગોહિલ સહિત ચાર સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ જામનગર જિલ્લામાં નોંધાયેલા તમામ ગુનાઓ અને વિવિધ અરજીઓની તટસ્થ તપાસ કરશે.
અલ્પેશ દોંગા અને તેની ગેંગ વિરુદ્ધ જામનગર જિલ્લા હસ્તકની તમામ અરજીઓ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય પોલીસને મળેલી જામનગર જિલ્લા સંબંધિત અરજીઓ પણ મેળવીને આ સીટને સોંપવામાં આવશે. તમામ ગુનાઓ અને અરજીઓની તપાસમાં થયેલી પ્રગતિનો વિગતવાર અહેવાલ દર સોમવારે રાજકોટ વિભાગની ડીઆઈજી કચેરી ખાતે મોકલવામાં આવશે. આ સાથે સમગ્ર તપાસ અને સંકલનનું નિયમિત મોનિટરિંગ રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી દ્વારા જાળવવામાં આવશે, જેથી તપાસ ઝડપી અને પારદર્શક બની રહે.
પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિ અલ્પેશ ગોપાલભાઈ દોંગા અથવા તેના સાગરીતો દ્વારા વ્યાજખોરી, ખંડણી કે, જમીન પચાવી પાડવાના કૌભાંડનો ભોગ બની હોય, તો તેઓ નિર્ભય બનીને આગળ આવે. ભોગ બનનાર નાગરિકો લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષકના મોબાઈલ નંબર ૯૨૧૩૦૦૦૪૩૭ પર અથવા રાજકોટ વિભાગની ડીઆઈજી કચેરીનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ કે રજૂઆત નોંધાવી શકે છે. નાગરિકોની સુરક્ષા અને ન્યાય માટે પોલીસ દ્વારા, સંપૂર્ણ સહકારની ખાતરી આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt