
હૈદરાબાદ, નવી દિલ્હી, 23 ઓક્ટોબર (હિ. સં.) તેલંગાણાના હૈદરાબાદમાં રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર એર ઇન્ડિયાના એક વિમાનનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મુંબઈ જનારી એઆઈ 417 ફ્લાઇટમાં ટેકઓફ થયાની માત્ર પાંચ મિનિટ બાદ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. સ્થિતિને સમજીને પાયલોટે તરત જ એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) ને ચેતવણી આપી અને વિમાનને સુરક્ષિત રીતે હૈદરાબાદ એરપોર્ટ પર પાછું ઉતાર્યું. વિમાનમાં સવાર તમામ 109 મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલો અનુસાર, શમશાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એ.આઈ. 417માં ટેકઓફ થયાની થોડી મિનિટો બાદ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વિમાનના ઉડાન ભર્યાના લગભગ પાંચ મિનિટ પછી પાયલોટને ખામીની જાણ થઈ. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલોટે તરત જ એટીસીનો સંપર્ક કર્યો અને કટોકટીની જાણ કરી. ત્યારબાદ વિમાનને હૈદરાબાદ તરફ વાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
એટીસીની સૂચનાઓ અને માર્ગદર્શન વચ્ચે, પાયલોટે વિમાનને સુરક્ષિત રીતે પાછું લાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી. આ પછી તરત જ વિમાનને હૈદરાબાદ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. વિમાન સુરક્ષિત રીતે ઉતર્યા બાદ મુસાફરો અને એરપોર્ટના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી.
વિમાન સુરક્ષિત રીતે ઉતર્યા પછી, તકનીકી નિષ્ણાતોએ ખામીનું કારણ નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે. તકનીકી સમસ્યાનું ચોક્કસ કારણ હાલમાં જાણી શકાયું નથી.
એર ઇન્ડિયા મેનેજમેન્ટે અસરગ્રસ્ત મુસાફરોને મુંબઈ પહોંચવામાં થતી અસુવિધા ઘટાડવા માટે વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. આ ઘટનામાં સૌથી મોટી રાહત એ હતી કે, વિમાનમાં સવાર તમામ 109 મુસાફરો સુરક્ષિત હતા.
હિન્દુસ્થાન સમાચાર/દેવ કુમાર પુખરાજ/અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ