
રાજકોટ, 23 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજકોટ સહિત અમદાવાદ, સુરત અને વડોદરા જેવા જિલ્લાઓમાં, કાયમી લોક અદાલતો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના વિરોધમાં રાજકોટ બાર એસોસિએશનના સભ્યો દ્વારા પ્રમુખ અને સેક્રેટરીને આવેદનપત્ર આપીને વકીલોના હિતોના રક્ષણ માટે તાત્કાલિક અસરથી જનરલ બોર્ડની બેઠક બોલાવવાની માંગ કરવામાં આવી છે.
કાયમી લોક અદાલતોમાં પબ્લિક યુટિલિટી સર્વિસ જેમ કે, ઇન્સ્યોરન્સ, ફાઇનાન્સિયલ, ટ્રાન્સપોર્ટ, કમ્યુનિકેશન, પાવર અને વોટર વગેરે સંબંધિત વિવાદો પક્ષકારો દ્વારા સીધા ઇ-મેઇલ મારફતે ફાઇલ કરવાની જોગવાઈ કરાઈ છે. આ પ્રક્રિયામાં બંને પક્ષો વચ્ચે કન્સિલિયેશન કરી નિર્ણય લેવાશે અને જો કોઈ ઉકેલ ન આવે તો લોક અદાલતના ચેરમેન દ્વારા આખરી નિર્ણય લેવાશે, જેને ડિગ્રી ગણવામાં આવશે. જોકે, આ કામગીરીમાં વકીલોને રજૂઆત કરવા માટે પરમિશન લેવી જરૂરી બનશે, જેના વગર તેઓ રજૂઆત કરી શકશે નહીં. વકીલોનું માનવું છે કે, આ પ્રકારની વ્યવસ્થાથી વકીલો પાસે કોઈ કામ રહેશે નહીં અને લોક અદાલતોની એકતરફી મનમાની વધશે, જેનાથી વકીલોનું હિત જોખમાશે.
આ ઉપરાંત, હાલમાં યોજાતી લોક અદાલતોમાં પ્રોહીબિશન અને જુગારધારાના કેસોમાં, પોલીસ સ્ટેશનમાંથી સીધો દંડ અને કબુલાત લઈને વધુ વળતર લેવામાં આવે છે. વકીલોના વકીલાતનામા વગર કોર્ટો પણ આવી કબુલાતો માન્ય રાખતી હોવાથી આ પ્રક્રિયાને પણ તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગણી રજૂ કરવામાં આવી છે. તમામ સભ્યોના મંતવ્યો મેળવીને આગળની કાર્યવાહી કરવા માટે જનરલ બોર્ડ બોલાવવાની પ્રબળ રજૂઆત કરાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt