
રાજકોટ, 23 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ રેન્જ ટીમ દ્વારા જુદા-જુદા ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી લાંબા સમયથી વોન્ટેડ આરોપીઓની માહિતી મેળવીને સઘન તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ગુરુવારે રાજકોટ રેન્જની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર જિલ્લાના કાલાવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સ્ત્રી સાથે ક્રૂરતાના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા ૧૪ વર્ષથી ફરાર થયેલો આરોપી લાલપુર ચોકડી વિસ્તારમાં આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
ઝડપાયેલા આરોપીની ઓળખ જયદીપ ધરમદાસ ગોંડલિયા, રહેવાસી નિકાવા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર તરીકે થઈ છે. તે છેલ્લા ૧૪ વર્ષથી કાયદાની પકડથી બચીને નાસતો-ફરતો હતો. પોલીસે તેને લાલપુર ચોકડી સ્થિત સિદ્ધિવિનાયક આશ્રમ પાસેથી હસ્તગત કરી લીધો હતો.
આરોપીની ધરપકડ કર્યા બાદ તેને આગળની કાનૂની કાર્યવાહી માટે જામનગર જિલ્લાના પંચકોશી-બી ડિવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. રેન્જ પોલીસની આ સરાહનીય કામગીરીથી લાંબા સમયથી કાયદાની પકડથી બહાર રહેલા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt