
જામનગર, 23 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લાના મોટીખાવડી વિસ્તારમાં એલેન્ટો હોટલ પાછળ આવેલી ગુપ્તા કોલોનીમાં મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે રેઈડ કરી હતી. આ દરોડા દરમિયાન પોલીસે રૂ.5,05,900 ની કિંમતના 10 કિલો 118 ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.5,16,400 ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે.
રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશાખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષકના સીધા સૂચના અનુસાર મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ ગુરુવારે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સ્ટાફના પોલીસકર્મીઓને સંયુક્ત બાતમી મળી હતી કે, મોટીખાવડી સીમ વિસ્તારમાં આવેલ મકાનમાં કેટલાક શખ્સો ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરવા માટે પેરવી કરી રહ્યા છે.
મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે નિર્ધારિત મકાનમાં દરોડો પાડ્યો હતો. આ રેઈડ દરમિયાન આરોપી મુકેશકુમાર પ્રેમચંદ મિશ્રા અને હફીજખાન ફૈજુલ્લા ખાનના કબજામાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગેરકાયદેસર નશીલો પદાર્થ તેમજ અન્ય સહાયક સામગ્રી જપ્ત કરી બંને આરોપીઓની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ માદક પદાર્થનો જથ્થો સપ્લાઈ કરનાર અન્ય એક શખ્સ વિજયશંકર પાંડે (રહે. ઉત્તર પ્રદેશ)નું નામ ખુલી આવ્યું છે.
આ કેસ સંદર્ભે પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ધોરણસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)૨(બી) અને ૨૯ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુખ્ય સપ્લાયર વિજયશંકર પાંડેને ઝડપી પાડવા માટે પોલીસે આગળની કાનૂની કાર્યવાહી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt