


- રાજ્યના 34 જિલ્લાના પદાધિકારીઓએ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે કરી ચર્ચા; સરકાર સમક્ષ વહેલી તકે ઉકેલ લાવવાની માંગ
અંબાજી, 25 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે પ્રદેશ કક્ષાની બેઠક અંબાજી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સહિત રાજ્યના 34 જિલ્લાઓના પ્રમુખો, મંત્રીઓ, કન્વીનરો અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રાજ્યભરમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓને લગતા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ખાસ કરીને કર્મચારીઓના પગારમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા, પ્રમોશન માટેની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા, તાલુકા અને જિલ્લા કક્ષાની જગ્યાઓ મંજૂર કરવા, સાતમા પગારપંચને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ જિલ્લા ફેરબદલી અને ખાતાકીય પરીક્ષાને લગતી સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કર્મચારીઓને લાંબા સમયથી નડતા આ પ્રશ્નોનો સરકાર દ્વારા વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્યના 34 જિલ્લાઓના પદાધિકારીઓની મંજૂરી વિના અને મંડળના બંધારણથી વિપરીત કેટલાક કર્મચારીઓ દ્વારા લેટરપેડ છપાવીને ખોટી રજૂઆતો કરવામાં આવી હોવાના મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવા અંગે ઠરાવ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. આરોગ્ય વિભાગના કર્મચારીઓ રજાના દિવસોમાં પણ નાગરિકોના આરોગ્યની સતત ચિંતા કરી પોતાની ફરજ નિભાવતા હોય છે. જાહેર આરોગ્યની સેવા સાથે જોડાયેલા આ કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવે અને તેમને યોગ્ય હક્કો તથા સુવિધાઓ મળે તે જરૂરી હોવાનું બેઠકમાં ભારપૂર્વક રજૂ કરવામાં આવ્યું હતું.
આ અંગે પ્રદેશ આરોગ્ય કર્મચારી મંડળના પ્રદેશ પ્રમુખ જગદીશ પ્રજાપતિ (અમદાવાદ)એ જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મચારીઓ રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી માટે સતત કાર્યરત રહે છે.ત્યારે સરકાર પણ કર્મચારીઓના પડતર પ્રશ્નો પ્રત્યે ગંભીરતાથી ધ્યાન આપે અને તેમનો વહેલી તકે નિકાલ લાવે તેવી અપેક્ષા છે. કર્મચારીઓના હિતોનું રક્ષણ થાય અને તેમની સમસ્યાઓનો ઉકેલ આવે તો આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ