
પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર
અને કચ્છ જિલ્લાના ખેડૂતો માટે જાહેર કરાયેલી દુષ્કાળ સહાયના મુદ્દે આમ આદમી પાર્ટીના કુતિયાણા વિધાનસભા પ્રભારી મેરૂભાઈ ઓડેદરાએ રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે ખેડૂતોને આપવામાં આવતી સહાયની રકમ સામે સવાલ ઉઠાવી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવા અને પશુઓ માટે લાંબા સમય સુધી ઘાસચારાની વ્યવસ્થા કરવાની માગ કરી છે. મેરૂભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે ખેડૂતો આખું વર્ષ મહેનત કરીને ખેતી કરે છે, પરંતુ વરસાદની અછત અને દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે તેમને મોટું આર્થિક નુકસાન સહન
કરવું પડે છે.
આવી સ્થિતિમાં ખેડૂતોને માત્ર રૂ.8,500ની સહાય આપવી પૂરતી નથી. તેમના મતે, મોંઘવારીના સમયમાં આટલી રકમથી ખેતીનો ખર્ચ અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. તેમણે સરકારને ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ સમજીને યોગ્ય વળતર આપવાની માગ કરી હતી.
પશુપાલકોની સમસ્યા અંગે સવાલ ઉઠાવતાં મેરૂભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે પશુઓ માટે પ્રતિ પશુ દૈનિક રૂ.80ની સહાય બે મહિના સુધી આપવાની જોગવાઈ સામે લાંબાગાળાની વ્યવસ્થાનો અભાવ છે. બે મહિના બાદ પશુઓના નિભાવ અને ઘાસચારાની વ્યવસ્થા કેવી રીતે થશે તે અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. દુષ્કાળની સ્થિતિમાં ખેડૂતોની સાથે પશુધનને બચાવવું પણ એટલું જ જરૂરી છે.મેરૂભાઈ ઓડેદરાએ સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માગણીઓ રજૂ કરી છે.જેમાં ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ
કરવું, પશુઓ માટેની ઘાસચારા અને નિભાવ સહાય નવી સીઝન આવે ત્યાં સુધી અથવા સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રાખવી તથા ખેડૂતોને થયેલા વાસ્તવિક નુકસાનના આધારે યોગ્ય વળતર આપવાનો સમાવેશ થાય છે.
તેમણે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની માગણીઓ પ્રત્યે ગંભીરતા નહીં દાખવે અને પૂરતી સહાય નહીં આપે તો ખેડૂતોને પોતાના હક માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડી શકે છે.દુષ્કાળથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત મળે અને તેમની આર્થિક સ્થિતિ સુધરે તે માટે સરકાર તાત્કાલિક અસરકારક પગલાં ભરે તેવી તેમણે માગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya